ફરિયાદનો નિકાલ:જિલ્લામાં સીવીજીલ એપ પર આચાર સંહિતાની 20 દિવસમાં 46 ફરિયાદ

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પલાઈન નં. 1950 પર મળેલી 298 ફરિયાદનો નિકાલ કરાયો

ગુજરાત સામાન્ય વિધાનસભા ચૂંટણી-2022 અન્વયે વલસાડ જિલ્લામાં પાંચ બેઠક ઉપર 1લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. હવે ગણતરીના માંડ 8 દિવસ બાકી રહ્યા છે, ત્યારે જિલ્લામાં આદર્શ આચારસંહિતાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી કમ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ 24 કલાક કોલ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં 20 દિવસમાં સીવીજીલ એપ પર 46 અને હેલ્પલાઈન નં. 1950 નંબર પર 298 ફરિયાદો આવી છે.

જિલ્લાની પાંચ બેઠક પર આદર્શ આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી થાય અને આ દરમિયાન કોઈ વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ થાય તો સીવીજીલ એપ પર ફરિયાદ કરી શકાય છે. આ સિવાય મતદારોને ચૂંટણી કાર્ડ સંબંધિત જે પણ ફરિયાદ હોય તો હેલ્પલાઈન નં. 1950 પર ફોન કરી શકાય છે.

આ સિવાય ટોલ ફ્રી નં. 1800 233 2610 પર ચૂંટણી ખર્ચને લગતી ફરિયાદ કરી શકાય છે. 3થી 22 નવેમ્બર સુધીમાં સી વીજીલ એપ પર 46 ફરિયાદો મળી હતી. જેમાંથી 36 ફરિયાદનો ઉકેલ આવ્યો હતો. જયારે 10 ફરિયાદો રદ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને જોઈએ તો આચારસંહિતા ભંગને લગતી ન હોય તેવી 10 ફરિયાદ રદ કરવામાં આવી છે. જ્યારે 95 ટકા ફરિયાદો પરવાનગી વગર પોસ્ટરો અને બેનરો લગાવવા સંબંધિત આવી છે.

હેલ્પલાઈન 1950 પર મતદારો તરફથી ચૂંટણી કાર્ડ સંબંધિત કુલ 298 ફરિયાદ આવી હતી. જેમાંથી 39 ફરિયાદો અન્ય જિલ્લાની વિધાનસભા બેઠકને લગતી હોવાથી જે તે જિલ્લાના ટોલ ફ્રી નંબર પર ફોન કરવા જણાવવામાં આવ્યું હતું. આ ટોલ ફ્રી નંબર 1800 233 2610 પર ચૂંટણી ખર્ચને લગતી કોઈ ફરિયાદ અત્યાર સુધી મળી નથી. વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા શાંતિથી સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સીવીજીલ એપ વોટર ટ્રાન્સપોર્ટેશન, લિકર અને ડ્રગ્સની વહેચણી, ફાયર આર્મ્સ ડિસ્પ્લે, કમ્યુનલ હેટ સ્પીચ, રૂપિયાની વહેચણી, ફેક ન્યૂઝ તેમજ, પેડ ન્યૂઝ પર વોચ રાખે છે. જો તમને આ પ્રકારની કોઇપણ પ્રવૃતિ દેખાય કે પછી તેની જાણ થાય તો સીવીજીલ એપ ઉપર તેની ફરિયાદ કરી શકાય છે. ડિજીટલ એપ થકી તાત્કાલિક ફરિયાદનું નિવારણ લાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...