વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વનવાસી ક્ષેત્રમાં શિક્ષણ લઇ રહેલી 40 જેટલી છાત્રાઓને માતૃભૂમિ સેવા કેન્દ્રના સંચાલકો, દાતાઓ અને ટ્રસ્ટીઓ દ્વારા ગુજરાતી ફિલ્મ ‘ગજબ થઇ ગયો' બતાવવામાં આવી હતી.
બાળકોને પોતાની માતૃભાષામાં જો રમતાં-રમતાં ભણાવવામાં આવે તો વિજ્ઞાન જેવો કઠિન વિષય પણ સહેલો લાગવા માંડે છે. વલસાડની પ્રસિધ્ધ અભિનેત્રી પૂજા ઝવેરી અને સાહજિક અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ગજબ થઇ ગયો' માં આ ભાવનાને તાદૃશ કરવામાં આવી છે.
ફિલ્મની મુખ્ય અભિનેત્રી પૂજા ઝવેરીના માતૃશ્રી સુનિતા ઝવેરીએ ખાસ હાજર રહી વનવાસી છાત્રાઓની સાથે જ બેસીને આખી ફિલ્મ નિહાળી હતી. અચરજની વાત એ છે કે, હાજર રહેલી 40 છાત્રાઓ પૈકી 90 ટકા છાત્રાઓને જિંદગીમાં પ્રથમ વખત થિયેટરમાં મુવી જોવાનો મોકો મળ્યો હતો.
માતૃભાષા ગુજરાતીમાં ‘જ્ઞાન એ જ અભિયાન' અને ‘કૂતહલમાં જ હલ છે બધાં' આ બે ટેગલાઇન ધરાવતી આ ફિલ્મમાં અંગ્રેજી ભાષાના મહત્ત્વનો સ્વીકાર કરીને વિજ્ઞાન માતૃભાષા ગુજરાતી અને ગુજરાતના વિશ્વ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઇ અને ગુજરાતી સંસ્કૃતિનું અદભૂત નિદર્શન કરવામાં આવ્યું છે.
પ્રખર રાષ્ટ્રવાદી છતારામ હિંદવાણીજીના માર્ગદર્શન અને માતૃભૂમિ સેવાકેન્દ્રના પ્રમુખ રમેશ ફૂલેત્રા અને તેમની સ્વયંસેવક ટીમની મહેનત દ્વારા વનવાસી ક્ષેત્રના કુલ પાંચ છાત્રાલય મળીને 250 બાળકોને સગવડદાયક છાત્રાલય તથા નિઃશુલ્ક શિક્ષણ મળે તે માટે ભગીરથ પ્રયાસો ચાલી રહ્યા છે.
આ ફિલ્મ ‘ગજબ થઇ ગયો' તમામ માતા-પિતાએ પોતાના ધોરણ-5 થી 12માં ભણતા સંતાનોને ખાસ બતાવવી જોઇએ. અંગ્રેજી ભાષાનું ચોક્કસ મહત્ત્વ છે, પરંતુ અંગ્રેજી ભાષા એ આપણી માતૃભાષા ગુજરાતી કરતાં કંઇક વિશેષ છે, એવો ભ્રમ રાખનારાઓએ આ ફિલ્મ ખાસ નિહાળવી રહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.