તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાલીનોટનું કૌભાંડ:વલસાડના ધરમપુરમાંથી 4 શખ્સો 500ના દરની 148 નકલી નોટ સાથે ઝડપાયા, મહારાષ્ટ્રમાં છાપી ગુજરાતમાં વટાવતા હોવાનો ખુલાસો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 132થી વધુ જાલીનોટ બજારમાં ફરતી કરી દીધી હોવાનો ખુલાસો

વલસાડના ધરમપુરમાં રૂ.500ની નકલી નોટ પધરાવવાના આંતરરાજ્ય કૌભાંડનો જિલ્લા એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ કર્યો છે. મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા આ બોગસ ચલણી નોટોના રેકેટમાં ધરમપુરના એક રિક્ષાચાલક સહિત 4 ઇસમને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રૂ.500ના દરની 148 જેટલી ડુપ્લિકેટ નોટ પકડી પાડતા હજી વધુ આરોપીઓની સંડોવણી બહાર આવે તેમ છે.

વલસાડ એસઓજીના હેડ કોન્સ્ટેબલ સૈયદ વાઢુને ગુપ્તરાહે મળેલી બાતમીના આધારે એસઓજી પીઆઇ વી.બી.બારડ અને એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામીની ટીમે ધરમપુરના સમડી ચોક વિસ્તારમાં જૂની કેરી માર્કેટના કમ્પાઉન્ડમાં છટકું ગોઠવ્યું હતું. એક રિક્ષા નં.જીજે-15-એયુ-6764નો ચાલક ઝિપરુભાઇ સંતાભાઇ ભોયા રૂ.500ના દરની નકલી નોટ માર્કેટ વિસ્તારમાં વટાવતો હોવાની બાતમી મળી હતી.જેને લઇ પોલીસે સ્થળ ઉપર પહોંચી રિક્ષાચાલકને ડુપ્લિકેટ 60 નોટ સાથે દબોચી લીધો હતો.તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરાતા આ કૌભાંડમાં સંડોવાયેલા પરસે ઉર્ફ પરશુ મલાભાઇ પવાર,ચિંતુ ઝિપરભાઇ ભુઝડ અને વેપારી પાર્થ નિલેશભાઇ શાહ તમામ રહે.ધરમપુરનાઓ પાસેથી 88 જેટલી ડુપ્લિકેટ નોટ સાતે ઝડપી લીધા હતા. આ તમામ પાસેથી પોલીસે રૂ.500ના દરની કુલ 148 ડુપ્લિકેટ નોટ કબજે કરતાં આખું નેટવર્ક સામે આવ્યું હતું.એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ આ ડુપ્લિકેટ નોટના કૌભાંડમાં હજી વધુ તપાસ થઇ રહી છેે જેમાં હજી ક્યાં કેટલી નોટ વટાવવામાં આવી છે અને હજુ કેટલા લોકો આ રેકેટમાં સામે છે. તે દિશામાં પોલીસ તપાસ કરી આગળની કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું હતું.

નકલી નોટના કૌભાંડના તાર મહારાષ્ટ્રમાં
પોલીસે ધરમપુરના આરોપીઓની કડક પૂછતાછ કરતાં ડુ્પ્લિકેટ નોટ છાપવાનું ષડયંત્ર મહારાષ્ટ્રના ગુંદી નામના ગામે ચાલી રહ્યું છે.બોર્ડરના ધરમપુરને લાગુ ગામોની ભોળી પ્રજાને છેતરવા ડુપ્લિકેટ નોટ પધરાવાઇ રહી હોવાની કેફિયત માલુમ પડી છે. મહારાષ્ટ્રના અનિલ નામનો એક આરોપી રૂ.500ની નોટનું સ્કિનિંગ કરી ડુપ્લિકેટ નોટનું પ્રિન્ટિંગ મશીનમાં છાપી અને કટિંગ કરી ગુજરાતની બોર્ડરના ગામોમાં ધરમપુરના મળતિયાઓ સાથે મળીને ઘૂસાડતો હોવાનું બહાર આવ્યું છે.

માર્કેટમાં નોટ ફેરવવા 50 થી 30 % કમિશન
મહારાષ્ટ્રના ગુંદીમાં અનિલ નામના ઇસમ દ્વારા ડુપ્લિકેટ નોટ છાપી બોર્ડરના ધરમપુરમાં નોટ ફેરવવા તગડુ કમિશન અપાતું હતું.ઝિપરુ નામના આરોપીની પુછપરછમાં પરસુએ ચિંતુને 30 ટકા કમિશને નોટ આપી હતી.ધરમપુરના એક વેપારીએ આ ડુપ્લિકેટ નોટ 50 ટકાના કમિશન પર ખરીદી હતી.આરોપી પરસુ પાસેથી મળલી માહિતી મુજબ તેને જયસિગ તથા હરસિંગે નોટ આપી હતી.આ બધાને મહારાષ્ટ્રના અનિલ નામના ઇસમે નોટ છાપીને આપી હતી.

500ની 132 નકલી નોટ હાલમાં બજારમાં ફરે છે
એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે,હાલે આરોપીઓ પાસેથી રૂ.500ની 148 ડુપ્લિકેટ નોટ કબજે લેવાઇ છે પરંતું આરોપીઓની પુછપરછમાં હજી ધરમપુર પંથકમાં 132 નકલી નોટ બજારમાં ફરી રહી છે, જે હજી મળી નથી.આ નોટ બજારમાં આવી ચૂકી છે જે કબજે કરવા પોલીસ દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...