તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય સાથે ચેડાં:વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં 4 દર્દીને એક્સપાયરી ડેટવાળા ગ્લુકોઝની બોટલ ચડાવાઈ, પરિવારનું ધ્યાન જતાં હોસ્પિટલમાં હોબાળો

વલસાડ18 દિવસ પહેલા
દર્દીઓને એક્સપાયરી ડેટવાળા ગ્લુકોઝની બોટલ ચડાવાતાં વિવાદ થયો.
  • બ્લોકોઝની બોટલ પર એક મહિના પૂર્વેની એક્સપાયરી ડેટ લખેલી હતી
  • સુરત RDD વિભાગમાં વલસાડ DDO અને આરોગ્ય વિભાગે તપાસ કરવા જાણકારી આપી

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ધરમપુરની સરકારી સ્ટેટ્સ હોસ્પિટલની બેદરકારીનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક પ્રસૂતાને હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવવામાં આવી હતી. ત્યારે આ સરકારી હોસ્પિટલના સ્ટાફ અને તબીબોની ગંભીર બેદરકારી સામે દર્દીનાં સ્વજનોની સાથે સાથે આદિવાસી સમાજમાં પણ રોષ વ્યાપી ગયો છે, આથી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી અંગે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઊઠી રહી છે. ઘટનાની જાણ વલસાડ DDO અને આરોગ્ય વિભાગની ટીમને થતાં તેમણે સુરતના RDD વિભાગને તપાસ કરવા જણાવ્યું છે.

સમગ્ર વિસ્તારમાં રોષ
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલી સૌથી મોટી સરકારી હોસ્પિટલ, જેને થોડાં વર્ષો અગાઉ જ સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ વિસ્તારના આદિવાસીઓની સારવાર માટે ખુલ્લી મુકાઈ હતી. જોકે આ આધુનિક સુવિધાઓથી સજ્જ આ સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલી રહી હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં રોષ વ્યાપી ગયો છે.

ગ્લુકોઝની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી હતી.
ગ્લુકોઝની એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી હતી.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
આ સરકારી હોસ્પિટલમાં એક મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળા ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે. બનાવની વિગત મુજબ, ધરમપુર તાલુકાના આંબોસી ગામના મોટી ભટાણ ફળિયામાં રહેતાં અમિતાબેન પવાર નામની એક મહિલા દર્દીને પ્રસૂતિ માટે ધરમપુરની સરકારી સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમની સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબોએ બેદરકારી દાખવી એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર દર્દીને ગ્લુકોઝની બોટલ ચડાવી દીધી હતી.

બોટલ પર ફક્ત સરકારી ઉપયોગ માટે જ લખેલું હતું
આ દર્દીને ચઢાવેલી બોટલ એક મહિના પહેલાં જ એક્સપાયર થઈ ચૂકી હતી. ગ્લુકોઝની બોટલ પર ફક્ત સરકારી ઉપયોગ માટે જ લખેલું હતું, આથી જે દવા ફક્ત સરકારી હોસ્પિટલમાં જ ઉપયોગમાં લેવાની હતી. એવી સરકારી દવાના જથ્થાની આ બોટલ એક મહિના અગાઉ જ એક્સપાયર થઇ ચૂકી હતી, જોકે તેમ છતાં હોસ્પિટલના તબીબોએ એક્સપાયરી ડેટ જોયા વિના જ દર્દીને એ ચડાવી દીધી હતી. ત્યાર બાદ દર્દીનાં સ્વજનોએ એની પર ધ્યાન જતાં હોસ્પિટલ સત્તાવાળાઓની બેદરકારી બદલ તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આથી થોડા સમય સુધી મામલો ગરમાતાં હોસ્પિટલના સિનિયર તબીબો દર્દી અને તેમનાં સ્વજનને મળ્યા હતા અને સ્વજનોનો રોષ પારખી ગયેલા તબીબોએ પણ બેદરકારી સ્વીકારી હતી. ભવિષ્યમાં આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવા બાંયધરી આપી હતી.

દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો.
દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો.

ફાર્મસિસ્ટ અને તબીબોની પણ બેદરકારી
આમ આ ઘટનામાં પ્રથમ હોસ્પિટલના ફાર્મસિસ્ટ અને તબીબોની પણ બેદરકારી છતી થઈ રહી છે, આથી દર્દીનાં સ્વજનો બેદરકારી માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ પણ અડગ રહ્યાં હતાં. તો મામલો ગંભીર બનતાં ધરમપુરનાં આદિવાસી સંગઠનોએ પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી જવાબદાર સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવા માગ કરી ધરમપુર મામલદારને આવેદનપત્ર આપ્યું હતું. બનાવની જાણ DDO અને જિલ્લા આરોગ્ય અધિકારીને થતાં તેમણે તાત્કાલિક સુરતના RDD વિભાગને ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા જણાવ્યું છે. હોસ્પિટલના બેદરકાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વલસાડ DDOએ જિલ્લા આરોગ્ય અધિકારીને જરૂરી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે.

કડક કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ચાલતી આ સરકારી હોસ્પિટલમાં ગરીબ અને અભણ આદિવાસી લોકોની અજ્ઞાનતાનો લાભ લઇ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી સામે હવે આદિવાસી સમાજમાં પણ રોષ વ્યાપી રહ્યો છે. ત્યારે હવે આ મામલામાં તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાતરી આપી રહ્યા છે.

બોટલ પર માત્ર સરકારી ઉપયોગ માટે જ લખ્યું હતું.
બોટલ પર માત્ર સરકારી ઉપયોગ માટે જ લખ્યું હતું.

આમ, રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલો તો બનાવી દીધી છે, પરંતુ આવા પછાત વિસ્તારોમાં સરકારી હોસ્પિટલમાં આવી લાલિયાવાડી અને બેદરકારીને કારણે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આવા કિસ્સાઓમાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી હોસ્પિટલના સ્ટાફને જવાબદારીનું ભાન કરાવવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...