વલસાડમાં શાકભાજી માર્કેટમાં એક ફરસાણની દૂકાને ખરીદી કરવા આવેલી હરિયાની એક આધેડ વયની મહિલાની પ્લાસ્ટિકની થેલીમાં કટ મારી રૂ.30 હજારની રકમ તફડાવી એક ઇસમ અને મહિલા ચૂપકેથી ભાગી છુટ્યા હતા.આ ગરીબ મહિલા તેના પૂત્રને બોટમાં જવા માટે આપવા પૈસા આપનાર હતી ત્યારે આ ઘટના બનતા હવે હું ઘરે નહીં જવાની મને મારશે તેવું રુદન કરતી આ મહિલા વિષમ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી.
વલસાડના હરિયા ગામે રહેતી એક 52 વર્ષીય વયની મહિલા હેમુબેન પોતાનો પૂત્ર બોટમાં જવાનો હોવાથી તેના માટે કોઇક દ્વારા આંગડિયામાં મોકલેલા રૂ.30 હજાર લેવા વલસાડ આવી હતી.જેની સાથે તેનો નાનો પૂત્ર પણ હતો.આ મહિલા આંગડિયા પાસે પહોંચીને રૂ.30 હજારની રકમ લઇ એક સાદી પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધાં હતા.બાદમાં તે અને તેનો પૂત્ર વલસાડની શાકભાજી માર્કેટમાં આવ્યા હતા.જયાં એપોર્ટમેન્ટ નીચે ફરસાણની દૂકાનમાં ફરસાણ ખરીદવા કાઉન્ટર સામેના શોકેસ પાસે ઉભા રહી ગયા હતા.
દરમિયાન એક અજાણી મહિલા તેણીની બાજૂમાં ઉભી હતી અને હરિયાની મહિલા પાછળ એક પુરૂષ ઉભો હતો.તે દરમિયાન અજાણી મહિલા ફરસાણ ખરીદવાના બહાને હેમુબેનને અડીને જ ઉભી રહી ગઇ હતી અને ફરસાણ ઉતાવળમાં ખરીદવાની હોય તેવો ઢોંગ કરતાં હેમુબેને કહ્યું કે મને પહેલા લેવા દો તેમ કહેતા તેણીને વાતોમાં પાડતાં પાછળ ઉભેલા પુરૂષે હેમુબેનની પ્લાસ્ટિકની થેલીમાં કોઇ સાધન પડે સિફતપૂર્વક કટ મારી અંદર મૂકેલા રૂ.30 હજાર સેરવીને તાત્કિલક ફરાર થઇ ગયા હતા.
હેમુબેન આનાથી અજાણ હોય પૈસા કાઢવા જતાં પ્લાસ્ટિકની થેલી ફાટેલી જણાઇ હતી અને જોતાં રૂ.30 હજાર ગાયબ જણાયા હતા.જેને લઇ મહિલા સ્તબ્ધ થઇને રડવા માડી હતી.બાદમાં દૂકાનદારે દૂકાનમાં મૂકેલા સીસીટીવી ફુટેજ ચેક કરવા કોશિશ કરી હતી,પરંતું સફળતા મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.