દિલધડક રેસ્ક્યૂનાં LIVE દૃશ્યો:વલસાડના ભાગડાખુદમાં 3000, હિંગરાજ અને ભળેલીમાં 2000 લોકો પૂરના પાણીમાં ફસાયા, બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ

3 મહિનો પહેલા
  • શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઈ રહ્યું છે
  • બચાવ કામગીરી માટે વધુ એક NDRFની ટીમને બોલાવવામાં આવી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા છે, તો ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

વધુ એક ટીમ બોલાવાઈ
રાજ્યમાં હવામાન વિભાગને લઈને વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં કેટલાક લોકો પહેલા મળે અને કેટલાક લોકોનું બીજા મળેથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી માટે વધુ એક NDRFની ટીમને બોલાવવામાં આવી છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને નગરપાલિકા મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી આવી છે.

હેલિકોપ્ટરથી 5 લોકોનું રેસ્ક્યૂ કરાયું
વલસાડના હિંગરાજ ગામે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં હજુ પણ 2000 લોકો ફસાયેલા છે. તો ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્કવિહોણું બન્યું છે. ગઈકાલે પણ આ ગામ સંપર્કવિહોણું બન્યું હતું. ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે, જેમાં 9 મહિલા અને 10 જેટલા પુરુષોનું NDRFની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વલસાડ શહેરના શહીદ ચોક ખાતેથી NDRFની ટીમે ચાર બાળક, ચાર મહિલા અને બે પુરુષો મળી કુલ 10 લોકોનું રેસ્ક્યૂ કરવામાં કર્યું છે. જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે.

મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા
આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને વહેલી સવારથી મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા છે. ડેમમાં મધુબન ડેમમાં 1 લાખ 71 હજાર 196 ક્યુસેક પાણીની આવક થઇ છે, જેમાંથી 1 લાખ 41 હજાર 171 ક્યુસેક પાણી દર કલાકે દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સેલવાસ અને દમણના કલેક્ટર સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે વર્ચ્યુઅલ બેઠક કરી ડેમમાંથી છોડવામાં આવતા પાણી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીના પાણી સેલવાસ, વાપી અને દમણથી દરિયામાં ભળી રહ્યા છે. ભારે વરસાદને કારણે સેલવાસનો બિલાડ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
એક બાજુ, દરિયામાં ભરતીનો સમય છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગત રાત્રે વલસાડમાં પણ બારે મેઘ ખાંગા થતાં ચારેતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વલસાડ શહેરના બંને બ્રિજ ડૂબ્યા છે, તો શહેરના અંડરપાસમાં કમરસમા પાણી ભરાતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. શહેરના કાશ્મીરનગર, દાણાબજાર, છીપવાડ, તરિયાવાડ, બંદર રોડ, કૈલાસ રોડ, વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પર અસર વર્તાઇ રહી છે, જ્યારે બીજી તરફ, જિલ્લાના અનેક ગામોમાં પણ ઔરંગા નદીના પાણી ઘૂસ્યાં છે. જિલ્લાના લીલાપોર, ધમડાચી, હનુમાન ભાગડા, ભાગડાખુર્દ સહિતનાં ગામોમાં નદીના પાણી ઘૂસતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તસવીરોમાં જોઈએ બચાવ કામગીરી

અન્ય સમાચારો પણ છે...