તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રિ-મોન્સૂન:વલસાડ જિલ્લામાં ઝાપટાંથી 30 ટકા કેરીના પાક પર જોખમ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ, પારડી, વાપી અને ધરમપુર તાલુકામાં વરસાદ
  • ખેડૂતોને કેરીનું વેચાણ કરી નિકાલ થઇ શકે તેવી આશા

હાલમાં કેરીના 30 ટકા સુરક્ષિત પાકને આંબાવાડીઓમાંથી બેડીને વેચાણની કામગીરીમાં ખેડૂતો જોતરાઇ રહેલા છે ત્યાં શનિવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકામાં આકાશમાં વાદળો છવાતા વરસાદના ભારે ઝાપટાં શરૂ થતાં ખેડૂતો ફરીથી દ્વિધામાં મૂકાઇ ગયા હતા.જો કે હળવા વરસાદી ઝાપટાં સાથે ધરમપુર તાલુકામાં 2 મિમિ અને કપરાડા તાલુકામાં 4 મિમિ વરસાદ થયા બાદ થંભી જતાં હાશ્કારો જોવા મળ્યો હતો. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં ભારે બફારો અને ઉકટાળ વ્યાપી રહ્યો હતો.તાપમાનમાં ફેરફાર સાથે 34.5 ડીગ્રી સુધી મહત્તમ તાપમાન નોધાતા ગરમાટો પણ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

આ સાથે ભેજનું પ્રમાણ મોટી માત્રામાં રહેતા લોકો બેચેની અનુભવી રહ્યા હતા. દરમિયાન હવામાન ખાતાએ બે દિવસ અગાઉ કેટલાક સ્થળોએ હળવા વરસાદની આગાહી સેવી હતી. આ સંજોગો વચ્ચે શનિવારે મળસ્કે જિલ્લાના વલસાડ,વાપી,પારડી વિસ્તારમાં હળવા ઝાપટાં થયા હતા. જ્યારે ધરમપુર તાલુકામાં સવારે 6 થી 8 દરમિયાન 2 મિમિ અને કપરાડા તાલુકામાં સાંજે 6થી 8 દરમિયાન 4 મિમિ વરસાદ કન્ટ્રોલરૂમમાં નોંધાયો હતો.હાલે ખેડૂતો આંબાવાડીઓમાં સુરક્ષિત રહેલા કેરીના પાકને બેડવાની કામગીરીમાં જોતરાયેલા હતા.

​​​​​​ત્યારે હળવા વરસાદે ચિંતા વધારી દીધી હતી.જો કે ભારે વરસાદ ન થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.પરંતુ હવે પછીના દિવસોમાં વાતાવરણ કેવો રૂખ અખ્તાર કરશે તેના પણ ખેડૂતોની મીટ મંડાઇ છે. તે પહેલા વાતાવરણ સારૂ રહે તો ખેડૂતોના કેરીના પાકના વેચાણ દ્વારા નિકાલ થઇ શકે તેવી આશા સેવાઇ રહી છે.

જિલ્લામાં તાપમાન
લઘુત્તમ તાપમાન- 19.0 ડિગ્રી
મહત્તમ તાપમાન- 30.0 ડિગ્રી
ભેજનું પ્રમાણ- 85 ટકા

હજુ 2 દિવસ ઝરમર વરસાદની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા મુજબ શુક્રવારે રાત્રિના વરસાદ બાદ 6 અને 7 જૂને પણ નવસારી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે. આમ ચોમાસા પૂર્વ છૂટાછવાયા વરસાદથી ચાલુ વર્ષે ચોમાસૂ વહેલુ શરૂ થવાની શક્યતા જણાય રહી છે.

ચોમાસાનાં એંધાણ આપતો વરસાદ
કેરાલામાં વરસાદ પડતાં આપણે ત્યાં 15થી 20મી વચ્ચે ચોમાસાનું આગમન થઈ શકે છે. હાલ જે વરસાદ પડ્યો છે એ કમોસમી વરસાદ નથી અને ચોમાસું બેસી ગયું એમ પણ કહીં ન શકાય. જોકે તે ‘પ્રિમોન્સુન કન્વેન્શનલ’ (ચોમાસાનાં એંધાણ આપતો વરસાદ) કહીં શકાય. - ડો. પ્રવિણસિંહ પરમાર, કૃષિ હવામાનશાસ્ત્રી, કૃષિ યુનિ. નવસારી

કપરાડા તાલુકાના છેવાડાના ગામોમાં ધોધમાર વરસાદ કુવા હેન્ડ પંપમાં પાણી ઉપર આવતા રાહત
કપરાડા તાલુકામાં સવારે સર્વત્ર વરસાદ પડતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો પાણી માટે વલખા મારતા અનેક ગામોના લોકોએ નિરાંતનો શ્વાસ લીધો છે. વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. ક્યારીઓ પાણીથી ભરીને છલકાય ગઈ હતી જોકે, ખેડૂતોને વાવણીની તૈયારી માટે આ વરસાદ ઉત્તમ ગણાવ્યો હતો. તેની સાથે રોપણીની તૈયારીના ભાગ રૂપે પણ આ વરસાદ મહત્ત્વનો રહ્યો છે. કપરાડા પંથકમાં છેલ્લા 10થી 15 દિવસ ભારે ગરમી હતી. અસહ્ય બફારા પણ લાગતા લોકો તોબા પોકારી ગયા હતા. પરંતુ શનિવારે મળસ્કે વરસી પડેલો ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી છે.

જેનાથી લોકોએ નિરાંતનો શ્વાસ લીધો છે. જોકે, અંતરિયાળ ગામોમાં જે પાણી વિકટ સમસ્યાઓ હતી તે દૂર થઈ છે ક્યારીઓ છલકાય જતા કુવા બોર અને ખનકીમાં પાણી ભરાઈ આવતા પાણીની સમસ્યા દૂર થતા મહિલાઓએ જે રાતભર જાગરણ કરવા પડતું હતું તેમાંથી છુટકારો મળ્યો છે. આ વરસાદ વાવણીની તૈયારીના ભાગ રૂપે અત્યંત મહત્ત્વનો વરસાદ છે.

બીજી તરફ ખેડૂતો ચોમાસા માટે જમીન ખેડીને તૈયાર કરી પરવારી જશે અને ઘણા લોકો વાવણી પણ કરીને પરવારશે એટલો વરસાદ વરસી ગયો હતો. જોકે હાલમાં કેરીની સીઝન પૂર્ણતાને આરે હોવાથી ખેડૂતોને કોઈ મોટું નુકસાન થયું નથી. આગામી 15થી 20 જૂન દરમિયાન જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...