વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માંકડબન ગામમાં ગુરૂસેવા સત્સંગ મંડળ પ્રેરિત પ્રથમ સમૂહલગ્ન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 30 નવ દંપતિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સામાન્ય રીતે લગ્નમાં પરિવારના સભ્યોનું ભારણ ઘટાડવા માટે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવસારી જિલ્લા યુવા સંગઠનના ઉપપ્રમુખ ડૉ.વિશાલ પટેલે જણાવ્યું કે, સમૂહલગ્નનું આયોજન કરી ગુરૂસેવા સત્સંગ મંડળે નવી રાહ ચિંધી છે. મંડળના પ્રમુખ ગમન માહલાએ આ વિસ્તારમાં સમાજ સેવા એ જ સાચો ધર્મ પુરવાર કર્યું છે. 30 આદિવાસી યુગલોએ આર્થિક ખર્ચથી બચીને સમૂહલગ્નમાં ભાગ લઈ એક ભગીરથ કાર્ય કર્યું તે સરાહનીય છે. ગુરૂસેવા સત્સંગ મંડળ માંકડબન ટ્રસ્ટના આયોજકો ગમન માહલા, પ્રમુખ વિનોદ સી.ગાંવિત, કનુ કાકડવા, નરસિંહ બી.ગાંવિત અને નાનુ પટેલના સમાજ કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
ધરમપુર તાલુકા સગંઠનના મહામંત્રી ધનેશ ચૌધરીએ આવા સમૂહલગ્ન વર્ષો વર્ષ આયોજિત થાય અને વધુમાં વધુ યુગલો ભાગ લે તેવી અપીલ કરી હતી. મુખ્ય મહેમાન ડૉ. વિશાલ પટેલે રોકડા રૂ.35 હજારનું દાન કર્યું હતું. આ સિવાય પણ અનેક દાતાઓએ રોકડ તેમજ દંપતિઓને રોજ બરોજના જીવનમાં ઉપયોગી થાય તેવી વિવિધ ચીજ વસ્તુઓ ભેટ કન્યાદાનમાં આપી દાનની સરવાણી વહેડાવી હતી.
આ પ્રસંગે માંકડબનના સરપંચ બયજીબેન માહલા, માહિતી ખાતાના નિવૃત્ત સહાયક માહિતી નિયાામક નટુ વી.પટેલ, વાંસદા તાલુકા પંચાયતના બિપીન માહલા, રમેશ વકીલ, જયેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ અને ગાંધીનગરથી પધારેલા કૃષિ વિભાગના અધિક્ષક હાજર રહ્યા હતા. સંતોમાં સર્વ અંબુબાપા- ગણદેવી, કનુબાપા-ડોલવણ, નટુબાપા ગાંગડીયાા- મહુવા, ગમનબાપા- માંકડબન અને નટુબાપા-સુરખાઈ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ નિવૃત્ત સહાયક માહિતી નિયામક નટુ પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગમન માહલા (બાપા) અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.