હુમલાખોરોની ધરપકડ:વલસાડના મોગરાવાડી રેલવે ગરનાળા પાસે 2 લોકો પર ચપ્પુ મારી હુમલો કરવાના કેસમાં 3 ઈસમોની ધરપકડ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાકમાર્કેટમાં પાપડી લેવા જતી વખતે શખ્સની વેપારી સાથે ભાવ બાબતે બોલાચાલી થઈ
  • વેપારીના ભાઈએ અદાવત રાખીને બે મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો
  • કોર્ટે 3 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો

વલસાડ શાકભાજી માર્કેટ ખાતે શાકભાજી લેવા ગયેલા એક વ્યક્તિની વેપારી સાથે ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. જેની રાતે વેપારીના ભાઈએ તેના મિત્ર સાથે આવીને યુવકને તમાચો મારી ભાઈ સાથે ઝઘડો કરવા બાબતે મગજમારી કરી હતી. તેમજ યુવક અને તેના મિત્ર ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે કેસમાં વલસાડ સિટી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

નોંધનીય છે કે 14 ડિસેમ્બરના રોજ આદર્શ મિશ્રા નામનો યુવક તેના મિત્ર જગદીશ રાઠોડ સાથે પાપડી ખરીદવા શાકભાજી માર્કેટ ખાતે ગયો હતો. જ્યાં તેની વેપારી વિકાસ જયસ્વાલ સાથે ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં સ્થાનિક લોકો અને વેપારીઓએ આવીને ઝઘડો સમાપ્ત કરાવ્યો હતો. 14 ડિસેમ્બરની રાત્રે આદર્શ અને તેનો મિત્ર સફી શેખ ચુલ્હા હોટલ પાસે રિક્ષામાં નાસ્તો કરવા ગયા હતા. જ્યાં વેપારીના ભાઈ રાજાએ તેના મિત્રો સાથે આવીને આદર્શને તમાચો મારી ભાઈ સાથે ઝઘડો કરવા બાબતે બોલાચાલી કરી હતી.

ગુસ્સે ભરાયેલા રાજાએ મોગરાવાડી પોતાના ભાઈ પાસે લઈ જવા આદર્શને સફીની રિક્ષામાં બેસાડ્યો હતો. તેમજ તે અને તેના મિત્રો દિપક અને ધર્મેશ મોપેડ ઉપર આગળ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોગરાવાડી ગરનાળા પાસે આવતા રાજાએ રિક્ષા અટકાવી હતી અને ધર્મેશ ઉર્ફે બંટીએ ચપ્પુ વડે આદર્શ ઉપર હુમલો કર્યો હતો. રિક્ષાચાલક સફી આદર્શને બચાવવા જતાં સફીની પીઠ પાછળ પણ રાજાએ ચપ્પુ માર્યું હતું. સફીએ રિક્ષા મોગરાવાડી તરફ હંકારી મુકતા તેઓ વધુ મારથી બચ્યા હતા અને બનાવ અંગે સિટી પોલીસને આદર્શે જાણ કરી હતી.

પોલીસ આવ્યા બાદ આદર્શ અને સફીને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વલસાડ સિટી પોલીસ મથકે આદર્શે હુમલો કરનારા ત્રણેય ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં વલસાડ સિટી પોલીસે ગણેશ ઉર્ફે રાજા જવાહર બર્ન વાલા, દિપક કમલેશ ગુપ્તા અને ધર્મેશ ઉર્ફે બંટી સંજય ચૌધરીની ધરપકડ કરી હતી. સિટી પોલીસે ગઈકાલે શુક્રવારે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...