કૃષિક્ષેત્રમાં ગુજરાત સરકાર દ્વારા દિનપ્રતિદિન અત્યાધુનિક આયામો સર કરવામાં આવી રહ્યા છે ત્યારે સૌપ્રથમ વાર રાજ્યના દરેક જિલ્લામાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગ વડે ખેતરમાં નેનો યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. જેનો શુભારંભ વલસાડ તાલુકાના અટગામથી તા. 5 ઓગસ્ટે સવારે 9 કલાકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયો હતો.
યોજના ખેડૂતો માટે આર્શીવાદરૂપ બનશે
અટગામ ખાતે ડ્રોન યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટ પ્રારંભે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સરકારના આ નવતર પ્રયોગના ફાયદાની સમજ આપતા જણાવ્યું કે, નેનો યુરિયાના એક સરખા છંટકાવથી ખાતરનો બગાડ નહિવત થશે અને પાકને ફાયદો થશે. ખેતી કામમાં જરૂરી મજૂરો મળતા હોતા નથી તો તે પ્રશ્ન પણ હલ થશે. પ્રવાહી ખાતર હોવાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ બચશે. ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય અને ખેડૂતોને સરકારી યોજનાનો લાભ પણ મળશે. જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સરળતા પડે તે માટે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીથી યુરિયા છંટકાવનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. અનેક લાભ ધરાવતી આ યોજના ખેડૂતો માટે આર્શીવાદરૂપ બનશે.
રૂ. 500 સરકાર સબસિડી આપશે
વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્યું કે, ડ્રોનથી નેનો યુરિયા છંટકાવના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે હાલમાં વલસાડ તાલુકાના અટગામ, પીઠા અને કોચવાડા ગામના કુલ 1500 એકર ખેતરની પસંદગી કરાઈ છે. જેમાં અટગામના 397, પીઠાના 156 અને કોચવાડાના 89 મળી કુલ 642 ખેડૂતોને લાભ થશે. યુરિયા ખાતરની 45 કિલોની એક ગુણ સરકારને રૂ. 3500માં પડતી હતી અને સરકાર ખેડૂતોને રૂ. 266માં આપતી હતી પરંતુ હવે ડ્રોન સિસ્ટમથી ખાતરનો બગાડ ન થાય તે માટે એક એકર દીઠ 500 એમ.એલ લિક્વિડ યુરિયાના રૂ. 240, રૂ. 500 ડ્રોનના અને રૂ. 100 ડ્રોન ઓપરેટરને ચૂકવવાના રહેશે. જેથી કુલ ખર્ચ રૂ. 840 થશે જેમાંથી રૂ. 500 સરકાર સબસિડી આપશે. 11 લીટર પાણીમાં 500 એમ.એલ લિક્વિડ યુરિયા મિશ્રિત કરવામાં આવે તો તે 45 કિલો યુરિયા ખાતરની એક થેલી બરાબર કહેવાશે.
ડ્રોનથી યુરિયાનો છંટકાવ કરાશે
ડાંગરના પાકમાં પ્રથમ છંટકાવ 20 દિવસ બાદ કરાયો હોય તો બીજી વારનો છંટકાવ 15 દિવસ બાદ કરવાનો રહેશે. આમ કુલ 3 થી 4 વાર છંટકાવ કરવાનો રહેશે. પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જિલ્લાની વધુ 1068 એકર જમીન પર ખેતીના પાકમાં ડ્રોનથી યુરિયાનો છંટકાવ કરાશે.
ઓનલાઈન અરજી કરવાની રહેશે
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે I Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પહેલા ખેડૂતે 1 એકર દીઠ રૂ. 840 પ્રમાણે તમામ રકમ ભરી દેવાની રહેશે, બાદમાં 1 એકર દીઠ રૂ. 500ની સહાય બેંક ખાતામાં જમા કરાશે. હાલ જિલ્લાને 1 ડ્રોન સરકાર દ્વારા ફાળવવામાં આવ્યું છે, ખેડૂતોની માંગ મુજબ સરકાર વધુ ડ્રોન જિલ્લાને ફાળવશે.
ડેમોસ્ટ્રેશન પણ કર્યું
ઈફ્કોના પ્રતિનિધિએ ડ્રોન અંગે ખેડૂતોને સમજ આપી ડેમોસ્ટ્રેશન પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય કલ્પનાબેન પટેલ, જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એન.કે.ગાબાણી, મદદનીશ ખેતી નિયામક પ્રતિક પટેલ, વિસ્તરણ અધિકારી પ્રકાશ પટેલ અને ગ્રામસેવકો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.