વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ભિલાડ પોલીસની ટીમે ટેમ્પોમાં ડ્રમની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ડ્રમમાંથી 2364 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલકને દબોચી લીદો હતો. ભિલાડ પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો અને મોબાઈલ તેમજ પ્લાસ્ટિકના ડ્રમ મળી કુલ 18.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, જે દરમિયાન એક ટેમ્પો નંબર DD 01 K 9585 નો ચાલક પ્લાસ્ટિકના ડ્રમોની આડમાં નરોલીથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ભીલાડ પોલીસની ટીમ ઇન્ડિયા પાડા નરોલી ચેકપોસ્ટ ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી ઉભી હતી.
આ દરમિયાન, બાતમી વાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતા, ટેમ્પોમાં લોડિંગના ભાગે 268 પ્લાસ્ટિકના ડ્રમોની આડમાંથી 2,364 બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 3.90 લાખનો જથ્થો ભીલાડ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક અજયકુમાર રામઅવધ નિષાદની અટકાયત કરી પૂછપરછ કરતા, દારૂનો જથ્થો ટેમ્પો માલીક અશોક દેવજીભાઈ પટેલે નરોલી અથાલ એચપી પેટ્રોલ પંપ પાસેથી ભરાવી આપ્યો હોવાનું, અને સુરત પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. ભીલાડ પોલીસે દારૂનો જથ્થો, પ્લાસ્ટિકના ડ્રમો, ત્રણ મોબાઈલ ફોન, અને ટેમ્પો મળી કુલ 18.79 લાખનો મુદ્દામાલ કબજે લઈ, ટેમ્પો માલિક અશોક દેવજીભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.