વલસાડ પાલિકામાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓની કાયમી કરવા માટે છેલ્લા 10 વર્ષથી લડત ચાલી રહી છે,પરંતુ હજી તેનો કોઇ નિકાલ નહિ આવતા 200થી વધુ કર્મચારીઓની હાલત કફોડી થઇ રહી છે.આ મામલે હજી કાયદાકીય સંઘર્ષ ચાલૂ છે.વર્ષોથી ફરજ બજાવતા આવા કર્મીઓનો પગાર રૂ.8 હજારની આસપાસ હાથમાં આવતા તેમની હાલત અત્યંત કફોડી થઇ રહી હોવાની રાવ ઉઠી છે.હવે આ મામલે કોઇ કાયમી નિકાલ આવે તેના પર કર્મચારીઓ મીટ માડીને બેઠા છે.
વલસાડ નગરપાલિકામાં વિવિધ શાખાઓમાં હંગામી કર્મચારીઓની વર્ષો પહેલા ભરતી કરવામાં આવી હતી.જે તે સમયના ભૂતકાળના શાસનમાં પાલિકાની આરોગ્ય શાખા,બાંધકામ શાખા,વારિગૃહ શાખા તથા અન્ય શાખાઓની કામગીરી માટે હંગામી ધોરણે તબક્કા વાર ભરતી કરી હતી.ખાસ કરીને આરોગ્ય શાખામાં સફાઇ કામગીરી માટે તેમજ બાંધકામ શાખામાં મહત્તમ ભરતી કરવામાં આવતી હતી.આ સાથે હંગામી કર્મચારીઓને વહીવટી શાખામાં પણ કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવતી હતી.
જેને લઇ કાયમી કર્મચારીઓની જેમ તેઓ દરેક કામગીરી બજાવી રહ્યા છે.લાઇટ શાખામાં પણ હંગામી ધોરણના કર્મચારીઓ ફરજાધિન છે.આ કર્મચારીઓને કાયમી કરવા માટે સમયાંતરે ઉચ્ચ સ્તરે રજૂઆતો થતી રહી છે,પરંતુ નક્કર કોઇ કાર્યવાહી થઇ ન હતી.આ મામલે કર્મચારીઓ દ્વારા યુનિયન મારફતે કાનુની લડત પણ ચાલૂ છે, આ અંગે ક્યારે નિકાલ આવશે તે હજી અનિશ્ચિત છે.આ સંજોગોમાં હંગામી કર્મચારીઓ છેલ્લા 20 થી 25 વર્ષથી માત્ર રૂ.8 હજારની નોકરી કરી રહ્યા હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે.
ચિંતાનો વિષય| વધુ પડતા મહેકમના કારણે આર્થિક રીતે પાલિકા દેવામાં ડૂબેલી છે
ભૂતકાળમાં કર્મીઓની હડતાળ બાદ પણ સ્થિતિ યથાવત
હંગામી કર્મચારીઓને કાયમી કરવા માટે ખાલી જગ્યા ઉપર ભરતી કરવા માટે મુદ્દો ઉઠાવાયો હતો.ભૂતકાળમાં હંગામી કર્મચારીઓની બે વાર હડતાળ પડી હતી.પરંતું તેમના પ્રશ્નનો કોઇ કાયમી ઉકેલ આવ્યો નથી.આ મામલે હાલે કાનુની લડત ચાલી રહી છે. પરંતું તેનો શું ઉકેલ આવશે તેની લાંબી રાહ જોવી પડે તેમ હોવાથી હંગામી કર્મચારીઓ ચિંતિત બન્યા છે.
નગર પાલિકાના મહેકમ ખર્ચની ટકાવારી અવરોધક પરિબળ
વલસાડ નગરપાલિકાના મહેકમ ખર્ચની 48 ટકાથી વધુ હોવાથી હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં અવરોધ ઉભો થઇ રહ્યો હોવાનું પાલિકા સૂત્રો જણાવી રહ્યા છે.મહેકમ ખર્ચની મર્યાદા 48 ટકાથી ઓછી હોય તો આ કર્મચારીઓ માટે કોઇ ઉકેલ લાવી શકાય તેમ છે.તેમાં પણ પાલિકાની આવકના સ્ત્રોત ઉપર પણ આ બાબત નિર્ભર હોવાથી સરકાર દ્વારા હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો તેનો આર્થિક બોજ ક્યાંથી સરભર કરવો તે ટેક્નિકલ મુદ્દો પાલિકા સામે આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.