કાર્યવાહી:પારડીની પાર નદીના બ્રિજ પાસેથી આંધળી ચાકરણ સાથે 2 શખ્સો ઝડપાયા, સાપ મંગાવનારને પણ પોલીસે ઝડપી લીધો

વલસાડ9 દિવસ પહેલા
  • તાપી જિલ્લાના એક ઈસમે સાપ મંગાવ્યો હોવાનું સામે આવ્યું
  • તાપીનો શખ્સ 5 કીલોની ચાકરણને અન્ય શખ્સને 20 લાખમાં વેંચવાનો હતો

વલસાડ જિલ્લા પારડી પોલીસની ટીમ પાર નદીના બ્રિજ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન બાઇકને અટકાવી ચેક કરતા એક બાઈક ઉપરથી મહારાષ્ટ્રના 2 યુવકોને વન્ય જીવ આંધળી ચાકરણ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પારડી સામાજિક વનીકરણ વિભાગને બંને આરોપીઓ અને આંધળી ચાકરણ સર્પ સાથે સોંપવામાં આવ્યા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા તાપી જિલ્લાના એક ઇસમે સાપ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. વન વિભાગની ટીમે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ પારડી પોલીસની ટીમ પારડી હાઇવે ઉપર પાર નદીના બ્રિજ પાસે વાહન ચેકીંગ કરી રહી હતી. આ દરમિયાન મુંબઈ તરફથી આવતી એક બાઈક ન. MH-48-CD-3340ને અટકાવી ચેક કરતા બાઈક ઉપર સવાર 2 યુવકો પાસેથી 5 કિલો વજન ધરાવતા એક પ્રતિબંધિત આંધળી ચાકળ સાપ મળી આવ્યો હતો. પારડી પોલીસે બાઈક ઉપર સવાર મહારાષ્ટ્રના નરેશ જગદીશભાઈ સાગર (ઉ.વ. 32, રહે. વિરાર ચંદનસર , તા .વસઈ, જિ. પાલઘર મહારાષ્ટ્ર ) તથા વૃત્વીજ પરિચિત વળવી ( ઉ.વ. 22, રહે. નંદુરબાર ગામ, તલોદા રોડ, કલ્યાણી પાર્ક, તા. નવાપુરજી, નંદુરબાર, મહારાષ્ટ્ર ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે તેઓને ચેક કરતા બે ફોન મળી આવ્યા હતા. પોલીસે બંને ઈસમોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગે પ્રાથમિક પૂછપરછ કરતા તાપીના ડોળવણના મોહન જેસભાઈ ચૌધરીને આ ચાકરણ સાપ આપવા જવાનો હોવાનું જણાવ્યું હતું. જેથી સામાજિક વનીકરણની ટીમે મોહન જેસભાઈ ચૌધરીને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે 5 કિલોની આંધળી ચાકરણ સાપ 20 લાખમાં વેચવાનો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા મોહન ચૌધરી પૂર્વ CM અમરસિંહ ચૌધરીના PA તરીકે 1985થી 1990 દરમ્યાન રહી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું. સામાજિક વનીકરણની ટીમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...