દાનહ,દમણદીવ ડ્રગ્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા દાનહમાં અલગ અલગ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં નીતિનિયમ વિરુદ્ધ બોગસ રીતે ચાલી રહેલા બે મેડિકલ સ્ટોર સંચાલકની ધરપકડ કરી હતી જ્યારે રખોલીથી એક બોગસ તબીબને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો હતો. સંઘપ્રદેશ ડ્રગ્સ કંટ્રોલ વિભાગે હાલમાંજ બાતમી આધારે દાનહના રખોલીના મધુબન ડેમ રોડ પર આવેલી સરકાર મેડિકલ અને જનરલ સ્ટોર અને દપાડા ખાતે મિશન રોડ પર આવેલ માઁ દુર્ગા મેડિકલ અને જનરલ સ્ટોર પર રેડ કરતા તેઓ કોઈપણ પ્રકારના લાયસન્સ વગર દવાનું વેચાણ અને જથ્થો સંગ્રહ કરી રહ્યા હોવાનું જોવા મળ્યુ હતું.
રખોલીના મધુબન ડેમ રોડ ઉપર બજારપાડા ખાતે આવેલ સરકાર મેડિકલ અને જનરલ સ્ટોરમાં પાડેલા દરોડા સમયે આગળથી દુકાન બંધ હોય એવું દેખાતું હતું પરંતુ પાછળથી પ્રવેશ કરતા જગદીશ કે.સરકાર નામનો શખ્સ એક દર્દીની સારવાર કરતો જોવા મળ્યો હતો. જેની પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે લાયસન્સ પણ ન હતું અને દવાનું વેચાણ અને સંગ્રહ પણ કરતો હતો.ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ 1940ના પ્રોવિઝન મુજબ રખોલી પોલીસે ગુનો નોંધી જગદીશ કે.સરકારની અટક કરી છે.બીજા કેસમાં દપાડા ત્રણ રસ્તા ખાતે મિશન રોડ પર આવેલ માઁ દુર્ગા મેડિકલ અને જનરલ સ્ટોરમાં સુખદેવ સરકાર દવાનું વેચાણ કરી રહ્યો હતો જેની પણ પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.