તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને હાલાકી:વલસાડ, વાપી, સુરતના 2 લાખ મુસાફરો હજી ટ્રેન સુવિધાથી વંચિત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેમુ દોડે છે પણ રિઝર્વેશન ટિકિટથી, બસ સુવિધામાં 25 ટકા રૂટ બંધ, ભાડા પણ વધારાતા પાસ હોલ્ડરોમાં રોષ

વલસાડ,વાપી,સુરત વડોદરા મુંબઇ સુધી અપડાઉન કરતાં 2 લાખથી વધુ દૈનિક મુસાફરોને અનલોક છતાં ટ્રેનની પૂરતી સુવિધા ન મળતાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.દક્ષિણ ગુજરાત પાસ હોલ્ડર્સ એસોસિએશને લોકલ ટ્રેનોની વિના રિઝર્વેશનથી મુસાફરી માટે પાસ હોલ્ડરોને પરવાનગી મામલે હાઇકોર્ટમાં કરેલી રિટ પિટીશનનો હજી નિકાલ થયો નથી,જેના કારણે દૈનિક મુસાફરોને ખાનગી વાહનોમાં મોંઘા ભાવે મુસાફરી કરવાનો વારો આવતા ભારે ખર્ચો વધી ગયો છે.એસટી બસના ભાડા ટ્રેન કરતા બમણાં ખર્ચવા પડતાં મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.

વલસાડ, વાપી, સુરત, નવસારી સહિતના જિલ્લાના લોકો કામધંધા અને નોકરીઓ માટે વડોદરા મુંબઇ વચ્ચે અપડાઉન કરે છે.આ વિસ્તારના 2 લાખથી વધુ મુસાફરો દૈનિક આવજા ટ્રેનમાં કરતાં હતા,પરંતુ કોરોનાના કારણે ટ્રેન સુવિધા બંધ થતા દૈનિક અપડાઉન કરનારાને ઘરે બેસવાનો વારો આવ્યો હતો.સરકારે ધીમે ધીમે અનલોક કરી છુટ આપતાં લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો દોડાવવા માડી પરંતું દ.ગુ.પાસ હોલ્ડર્સ દ્વારા સવાર સાંજ સુરત,મુંબઇ વચ્ચેની લોકલ મેમુ શટલ ટ્રેનોની માગણી મુજબ ન દોડાવતા દૈનિક મુસાફરોને ખાનગી વાહનો હાઇવે પરથી પકડીને નોકરી ધંધા ચલાવવા પડી રહ્યા છે.બીજી તરફ હજી લાંબા અંતરની બસો દોડાવી લોકલ ટ્રેનોના 25 ટકા રૂટ બંધ કરતાં જોઇએ તેટલી સુવિધા મળી નથી.

એસટી બસોમાં લોકલ મુસાફરો માટે અંતરિયાળ 25 ટકા રૂટ બંધ કરાયા છે
એસટી વિભાગ દ્વારા જે બસો દોડાવવામાં આવી રહી છે તેમાં હજી ગ્રામ્યવિસ્તારમાં 25 ટકાથી વધુ બસના રૂટ બંધ છે.જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજિંદા અપડાઉન માટે મુશ્કેલી પડી રહી છે.

હાઇકોર્ટમાં ગૃહમંત્રાલયને પક્ષકાર બનાવતા નોટિસ આપી હતી, કેસ ચાલુ
દ.ગુ.પાસ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ નિષિથ એન્જિનીયરે ગત નવેમ્બરમાં લોકલ મેમુ શટલ જેવી બંન્ને તરફ દોડતી 8 ટ્રેનો ચાલૂ કરવા દાદ માગતી રિટ એપ્લિકેશન દાખલ કરી હતી.જેમાં ગૃહ મંત્રાલય દ્વારા કોઇ નિર્દશ ન મળતા સ્થાનિક રેલવે તંત્ર અને રાજ્ય સરકારે હાઇકોર્ટને તે મુજબ જવાબો ફાઇલ કર્યા હતા.જેને લઇ હાઇકોર્ટે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયને પક્ષકાર બનવા નોટિસ ઇસ્યુ કરી હતી.જે કેસ હજી ચાલી રહ્યો છે.

ટ્રેનના અભાવે હાઇવે પર ખાનગી કારોમાં મુસાફરોએ વધુ રૂપિયા ખર્ચી જવું પડે
વલસાડ, વાપી, સુરત સુધી નોકરી કરનારા મુસાફરો માટે લોકલ ટ્રેનોની પૂરતી સુવિધા ન મળતા નોકરીની સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે.જેના માટે અપડાઉન કરતા મુસાફરોને વાપી,સુરત સુધી હાઇવે ટુ હાઇવે દોડતી કે હાઇવેથી અંદર પહોંચાડવાની સુવિધા આપતા ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે.જેમાં સોશ્યિલ ડિસ્ટેન્સિંગના અમલ માટે આવા ખાનગી વાહનોને દંડનીય કાર્યવાહીમાંથી પસાર થવું પડી રહ્યું છે.

મેમુ ટ્રેનમાં પણ રિઝર્વેશન બુકિંગના આધારે ટિકિટ મળે છે પણ ભાડૂ ઉંચુ છે
વલસાડ,વાપી મુંબઇ,સુરત,મુંબઇ સુધી મુસાફરી કરતા અપડાઉન કરનારાઓ માટે સુરત વાપી વલસાડ વચ્ચે ખાસ જરૂરત હોવા છતાં લોકલ ટ્રેનોની સુવિધા નથી.હાલે માત્ર એક મેમુ ટ્રેન દોડે છે તેમા પણ મુસાફરોને રિઝર્વેશન બુકિંગની ટિકિટો આપે છે જેના ભાડા ઉંચા છે.એક્સ્પ્રેસ ટ્રેનોના પણ બમણાં ભાડા કરી સરકાર શું કરવા માગે છે તે મુસાફરોને સમજાતું નથી.> નિષિથ એન્જિનીયર,પ્રમુખ,દ.ગુ.પાસ હોલ્ડર્સ એસોસિએશન

​​​​​​​રેલવે સાથે સરકાર સંકલન સાધી સ્થિતિનો તાગ લઇને નિર્ણય કરવામાં આવશે
કેન્દ્ર સરકાર લોકોની ટ્રેનોની સુવિધા ક્રમશ: વધારવા માટે પ્રતિબધ્ધ છે.ટ્રેનો શરૂ પણ કરવામા આવી છે. રેલવે સાથે સરકાર સંકલન સાધી સ્થિતિનો તાગ લઇને નિર્ણય કરશે.જે માટે સરકાર અને રેલવેમાં અગાઉથી રજૂઆતો ચાલૂ છે.હાલમાં નોકરિયાતો સહિત દૈનિક મુસાફરો માટે વધુ ટ્રેનોની સુવિધા વધારવા સંજોગોને આધિન કાર્યવાહી કરવામાં આવે તે માટે રેલવે મંત્રાલય અને સરકારનુ ધ્યાન દોરાશે. > ડો.કે.સી.પટેલ,સાંસદ

અન્ય સમાચારો પણ છે...