દારૂ ઝડપાયો:બગવાડા ટોલનાકા પાસેથી ટેમ્પોમાં ભેંસના માંસની આડમાં લઈ જવાતા 480 બોટલ દારૂ સાથે 2 ઈસમ ઝડપાયા

વલસાડ21 દિવસ પહેલા
  • માંસના 2000 કિગ્રા વજનના 23 શંકાસ્પદ કોથળા મળી કુલ રૂા. 7.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો
  • આરોપીઓ ઉપર પ્રાણી ક્રૂરતા એક્ટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે

વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા પાસે ટેમ્પો અટકાવી ચેક કરાતાં ટેમ્પામાં માંસની આડમાં લઈ જવાતો 480 બોટલ દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે માંસની તપાસ કરતા તે ભેંસનું માંસ હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ LCBની ટીમે દારૂનો જથ્થો, પિકઅપ ટેમ્પો અને 2000 કિલો માંસના રૂ. 2 લાખ મળીને કુલ 7.66 લાખના મુદ્દામાલ સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ સામે પ્રાણી ક્રૂરતા નિયમ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી પારડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.

વલસાડ LCBની ટીમ દિવાળીના તહેવારોને લઈને જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજય અમલાભાઇને મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા હાઈવે નં. 48 પર મુંબઇથી સુરત જતાં ટ્રેક પરથી એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો પીકઅપ નં .GJ-01-DZ-1828માં દમણથી માંસની આડમાં દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે બગવાડા ટોલનાકા પાસે ટેમ્પાને અટકાવી ચેક કરાતાં ટેમ્પામાંથી 2000 કિલો માંસના જથ્થાની આડમાં 480 બોટલ દારૂનો જથ્થો સંતાડીને લઈ જતાં ટેમ્પો ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા.

સાથે સાથે પીકઅપની બોડીમાંથી મળી આવેલા માંસના અંદાજે 2000 કિગ્રા વજનના રૂા 2 લાખની કિંમતના 23 શંકાસ્પદ કોથળા મળી કુલ રૂા. 7.66 લાખના મુદ્દામાલ સાથે આરોપી ડ્રાઇવર મોહમ્મદ શોયેબ અખ્તરઅલી અન્સારી અને ક્લીનર ઝાફરઅલી સનઅલી સૈયદને ઝડપી પાડી આ પ્રોહીબિટેડ જથ્થો ભરાવનાર અજીત ગુપ્તા તથા પ્રોહી. જથ્થો મંગાવનાર એઝાઝ અજમેરીને વોન્ટેડ જાહેર કરી તેમની વિરૂદ્ધ પ્રોહી. એક્ટ કલમ 65 એ ( ઇ ), 81, 98 ( 2 ), 116 ( બી ) મુજબ અને શંકાસ્પદ માંસ બાબતે એફ.એસ.એલ. કચેરી સુરત ખાતે તપાસણી કરાવતાં સદર માંસ ભેંસનું હોવાનું જણાઇ આવ્યું હતું.

આ માંસ ગેરકાયદેસર રીતે આરોપીઓએ વહન કરેલું હોવાથી ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1960ની કલમ 5 ( 1 ) , 6, 10 તથા ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ ( સુધારા ) અધિનિયમ 2011ની કલમ 8 ( 1 ) અને 3 તથા પ્રાણી ક્રૂરતા નિવારણ ( કતલખાના ) 2001ના નિયમ ૩ તથા ધી પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ 1960ની કલમ 38 ( 3 ) તથા ધી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ એક્ટ 2006ની કલમ 31, 58 તથા ધી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ( લાયસન્સીંગ એન્ડ રજીસ્ટ્રેશન ) રેગ્યુલેશન્સ 2011 ચેપ્ટર 2, રેગ્યુલેશન નં .2.1 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. આમ, મુંબઇથી અમદાવાદ તરફ જતા ગેરકાયદેસર માંસની આડમાં ગે.કા. રીતે ચોરીછુપી લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં એલ.સી.બી.વલસાડને મહત્વની સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...