વલસાડના પાલણ અને વશીયરમાં જમીનના મામલે બે બનાવોમાં બે જણા ઉપર હિંસક હુમલો થતાં ચકચાર જાગી હતી. પ્રથમ કિસ્સામાં વલસાડના ઓવાડા ગામના જિતેન્દ્ર ધીરૂભાઇ સોલંકી પાલણ ગામે વડીલો પાર્જિત જમીન જોવા ગયા હતા ત્યારે પાલણ ફાટક, રોહિતવાસ પાસે રહેતાં જિતેન્દ્ર સોલંકીના ભાણેજો રાહુલ જયંતિભાઇ પરમાર અને ફેનિલ પરમાર આ જમીનમાં ખુંટા કરી થાંભલીઓ રોપી છાપરું પાડતાં હતા.
દરમિયાન જિતેન્દ્રએ ભાણેજ રાહુલ અને ફેનિલને મારી જમીન ઉપર છાપરું કેમ પાડો છો તેમ કહેતાં ભાણેજોએ કહ્યું કે, તારા બાપની જમીન નથી, આ અમારા બાપદાદાની પ્રાઇવેટ પ્રોપર્ટી છે તેમ કહીને રાહુલ અને ફેનિલે જિતેન્દ્રને માર મારી રાહુલે કોઇ સાધન વડે જિતેન્દ્રના માથા ઉપર મારી દઇ ઇજા પહોંચાડી હતી.. જ્યારે ત્રીજા આરોપી કિરીટ સોલંકીએ જિતેન્દ્રને પેટ- છાતી પર શરીરે માર મારતા જિતેન્દ્ર ભાગીને રોડ ઉપર દોડી આવ્યો હતો. ઇજાગ્રસ્ત જિતેન્દ્રને પરિવારજનોએ ગુંદલાવ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ જિતેન્દ્ર સોલંકીએ ભાણેજો રાહુલ અને ફેનિલ તથા કીરીટ સોલંકી વિરૂધ્ધ ઉપરોક્ત મુજબની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કર્યો હતો.
ચીકુવાડીમાં લાકડાથી હુમલો કર્યો
વલસાડ મુલ્લાવાડીમાં રહેતા 22 વર્ષીય યુવક કેવલ વિજયભાઇ પટેલ મિત્ર પરવેઝ સાથે સાંજે 4 વાગ્યે વશીયર ખાતે આવેલી તેમની ચીકુવાડી જોવા જતાં વશીયર કોળીવાડમાં રહેતા મનોજ ડાહ્યાભાઇ પટેલ અને મગન ખાલપભાઇ પટેલે આ અમારી વાડી છે તું અહિં કેમ અવારનવાર આવે છે તેમ કહી મનોજે ઉશ્કેરાઇ ખેતરમાં પડેલા લાકડાથી કેવલના પગ ઉપર ફટકો મારી ઇજા પહોંચાડી હતી.જ્યારે મગન પટેલ પત્થર લઇ ધસી આવતાં મિત્ર પરવેઝે બચાવી લીધો હતો.બંન્ને વિરૂધ્ધ કેવલે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.