વલસાડ હાઇવે વિસ્તારમાં રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.વલસાડની સુગર ફેકટરી પાસે વાહન ચેકિંગ દરમિયાન મુંબઇ તરફથી એક કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી જેને રોકવા પોલીસે ઇશારો કરવા છતાં ચાલકે કારને હંકારી મૂકી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસ ટીમે કારનો 4 કિમી સુધી પીછો કરી કારને ધમડાચી રામદેવ ઢાબા સામે હાઇવે પર આંતરી લીધી હતી. પોલીસે કારને સાઇડે લઇ ઝડતી લેતાં કારની પાછળ બનાવેલા ચોરખાના ખોલી જોતાં પ્લાસ્ટિકની બેગમાં ભરેલા ચાંદીની પાયલોના 46 પાર્સલો મળી આવ્યા હતા.
પોલીસે કારમાં સવાર ઇસમોની પુછપરછ કરી પાકા બિલો માગતાં તેઓ બિલ રજૂ કરી શક્યા ન હતા.જેને લઇ વધુ શક પડતા પોલીસે શંકાના આધારે ચાંદીના પાયલના દાગીનાનો અંદાજિત રૂ.1.10 કરોડનો 173 કિલો જથ્થો કબજે લઇ કારચાલક વિજય રામચંદ્ર પાટિલ,સંતોષ ગણપતિ અને સતિષ ગણપતિની અટકાયત કરી બિલ વિનાના ચાંદીના પાયલનો જથ્થો વહન કરવા મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી એક સપ્તાહમાં પાકા બિલો રજૂ કરવા મહેતલ આપી હતી. પરંતુ કાચા બિલો પોલીસ સમક્ષ રજૂ કરતા માન્ય રાખવામાં આવ્યા ન હતા.પરિણામે દાગીનાનો આ જથ્થો કોર્ટમાં જમા કરી દેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
હવે કોર્ટમાંથી દાગીના છોડાવો પડશે
વલસાડ રૂરલ પોલીસના કબજામાં રહેલો ચાંદીની પાયલોનો જથ્થો એક સપ્તાહની મુદ્દત છતાં પાકા બિલો રજૂ કરવામાં આવ્યા ન હતા.જેને પોલીસે કોર્ટમાં જમા કરાવી દેતા હવે આ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવો પડશે.જ્યાં પાકા બિલો સહિત પૂરાવાઓ રજૂ કરવાના રહેશે.જે અંગે કોર્ટ નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.