હુકમ:1.50 લાખના લાંચમાં મહિલા PSIને 1 દિ’ રિમાન્ડ

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસીબીએ સેશન્સ કોર્ટમાં પીએસઆઈ વિરૂધ્ધ રિમાન્ડ અરજીમાં 8 મુદ્દા ઉઠાવ્યા હતા

દાનહના એક બાર માલિક પાસેથી વલસાડના વચેટિયા વકીલ મારફત 1.50 લાખની લાંચના ચકચારી કેસમાં સિટી પોલીસ મથકના મહિલા PSIને ACBએ કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે અત્રેની સેશન્સ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યા હતા.જેમાં સ્પે.જજ પ્રકાશકુમાર પટેલે ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી 1 દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો.એસીબીએ કોર્ટ સમક્ષ આરોપી PSI વિરૂધ્ધ 8 મુદ્દા રજૂ કર્યા હતા. 17 નવેમ્બર 2021ના રોજ વલસાડમાં અમદાવાદ એસીબીની ટીમે દાનહ સેલવાસના એક બાર માલિકની એફઆઇઆરના આધારે શહેરની મામલતદાર કચેરી સામે ગોઠવેલા છટકામાં રૂ.1.50 લાખની લાંચના કેસમાં વલસાડ સિટી પોલીસ મથકના મહિલા પીએસઆઇ યેશા પટેલ વતી લાંચ લેનાર વચેટિયા વકીલ ભરત યાદવને ઝડપી પાડતા વકીલ આલમ અ્ને પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી હતી.

આ કેસમાં ફરિયાદીએ એફઆઇઆરમાં પીએસઆઇ યેશા પટેલે વચેટિયા વકીલ મારફત રૂ.1.50 લાખની લાંચની માગણી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.મહિલા PSI અને વકીલ બંન્ને આરોપી હતા.જેમાંં આરોપી નં.1 PSI યેશા પટેલ નહિ પકડાતા પોલીસ ધરપકડથી બચવા નાસતા ફરતા હતા.

સતત 3 માસ સુધી ભુગર્ભમાં ઉતરી ગયેલા યેશા પટેલે પોલીસ ધરપકડથી બચવા માટે 1 ફેબ્રુઆરી 2022ના રોજ જામીન અરજી રજૂ કરી હતી,પરંતું સેશન્સ કોર્ટે તે ફગાવી દીધી હતી.છેવટે એસીબી સમક્ષ હાજર થવા વગર કોઇ છુટકો ન હોય યેશા પટેલ 12 ફેબ્રુઆરીએ અચાનક વલસાડની એસીબી કચેરીમાં હાજર થઇ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.જેને એસીબીએ સેશન્સ કોર્ટમાં રજૂ કરી 3 રિમાન્ડની માગણી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ પ્રકાશકુમાર પટેલે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

કોર્ટમાં એસીબીએ મહિલા પીએસઆઈના રિમાન્ડ માટે રજૂ કરેલા મુદ્દા શું હતા

  • આરોપી કાયદાકીય જાણકાર હોવાથી હકીકત બતાવતા નથી
  • ઓડીયો રેકોર્ડરમાં લાંચની લેતી દેતીની વાતચીત હોય વધુ પુછપરછ માટે કસ્ટડી જરૂરી છે
  • આરોપી નાસતા ફરતા દરમિયાન ક્યાં રોકાયા તેની વિગતો લેવાની બાકી છે
  • ટ્રેપ દરમિયાન મોબાઇલ પર વકીલ સાથેની વાતચીતમાં PSIએ લાંચની માગણીને સમર્થન આપતા તપાસમાં વધુ પુછપરછ જરૂરી છે.
  • લાંચની રકમ મોટી હોય અન્ય કોઇ અધિકારી,કર્મીની સંડોવણીની શક્યતા નકારી શકાય તેમ નથી
  • આરોપીને 12 ફેબ્રુ.2022ના રોજ 3.30 વાગ્યે અટક કરતા પૂછપરછનો સમય ઓછો મળ્યો છે
  • પૂરાવા એકત્રિત કરવા કસ્ટડી જરૂરી છે.આરોપીએ નામી બેનામી મિલકતો વસાવી છે કે કેમ તેની તપાસ જરૂરી
  • અન્ય કોઇ ભ્રષ્ટાચાર આચરેલ હોવાની તેમજ સત્તાના દુરૂપયોગની માહિતી મળી શકે તેમ છે.
અન્ય સમાચારો પણ છે...