જામીન અરજી નામંજૂર:બિલ મંજૂર કરવા 15 લાખની લાંચમાં આરોપીના જામીન રદ

વલસાડ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડે. કાર્યપાલક અને આસિ. ઇજનેરના વતી લાંચ લીધી હતી

વલસાડ જિલ્લા પંચાયતના રોડના બાકી ફાયનલ બિલ મંજૂર કરવા માટે નાયબ કાર્યપાલક અને આસિ.ઇજનેર વતી રૂ.15 લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા વચેટિયાની જામીન અરજી સ્પેશ્યિલ કોર્ટે નામંજૂર કરી દીધી હતી.

વલસાડ જિલ્લામાં રોડના કામો માટે ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં બિલો રજૂ કર્યા હતા.આ બિલો છેલ્લા 10 મહિનાથી પેન્ડિંગ હતા.જેને મંજૂર કરવા માટે ઇજારદાર દ્વારા રજૂઆત કરવા ગયા હતા.જ્યાં આસિ.ઇજનેર અનિરૂધ્ધ ચૌધરી સાથે વાત થતાં તેમણે નાયબ કાર્યપાલક ઇજનેર એન.બી.નાયક આવે એટલે વાત કરીએ તેમ જણાવ્યું હતું.

પોણા બે કરોડના આ બિલ મંજૂર કરવા માટે આસિ.ઇજનેર સાથે લાંબી માથાકૂટ અને મોબાઇલ ઉપર વાતો થયા બાદ છેવટે રૂ.15 લાખ આપવાનું નક્કી થયું હતું.પરંતું ઇજારદાર ફરિયાદી પૈસા આપવા માગતા ન હોય સુરત એસીબીમાં 5 જાન્યુઆરી 2023ના રોજ ડે.કાર્યપાલક અને આસિ.ઇજનેર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે સુરત એસીબીએ 9 જાન્યુઆરીએ વલસાડ જિ.પં.ના સામે છટકુ ગોઠવ્યું હતું,જ્યાં વચેટિયા તરીકે આવેલા ઇસમ વિક્રમ પટેલે ફરિયાદી પાસેથી રૂ.15 લાખની લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો.એસીબીએ તેની ધરપકડ કરી હતી.આ કેસમાં એસીબીએ આરોપી વિક્રમ પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ જામીન મુક્ત થવા માટે આરોપીએ વલસાડની સ્પે.કોર્ટમાં અરજી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પે.જજ ટી.વી.આહુજાએ જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...