તિરંગાનુ અપમાન:વાપીના મોરાઈમાં ભંગારના ગોડાઉનમાં તિરંગાથી બાંધેલા 15 પોટલા મળી આવ્યા, ગોડાઉન સંચાલકની અટકાયત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિરંગા ઉપરાંત અન્ય ધાર્મિક પ્રતીકો સાથેના કાપડમાં ભંગાર બાંધેલો મળી આવ્યો!
  • 30 રાષ્ટ્રધ્વજ, 12 રામ અને 4 હનુમાનજીના ચિત્રવાળી ધ્વજા કબજે લીધી
  • ધાર્મિક લાગણી દુભાવી અને રાષ્ટ્ર ધ્વજના અપમાનનો ગુનો નોંધાયો

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા મોરાઈ ફાટક પાસે એક ભંગારના ગોડાઉનમાં તિરંગામાં ભંગાર બાંધેલી હાલતમાં મળી આવતા દેશભક્તોની લાગણી દુભાઈ હતી. દેશભક્તોએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસને ઘટનાનો જાણ કરતા વાપી ટાઉન પોલીસ તાત્કાલિક ભંગારના ગોડાઉન ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સિલ્કના કાપડમાં 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની ચિત્ર સાથેના કાપડ અને મુસ્લિમ ધર્મના લખાણ વાળા કાપડમાં ભંગારના પોટલા ભંગારના ગોડાઉનમાંથી મળી આવ્યા હતા. પોલીસે ભંગાર ગોડાઉન સંચાલકની અટકાયત કરી છે

વલસાડ જિલ્લાના વાપીના મોરાઈ રેલવે ફાટક નજીક ખુલ્લી જગ્યામાં રિયાકત ખાનનું ભંગારનું ગોડાઉન આવ્યું છે. જે ભંગારના ગોડાઉન સંચાલકે સંતોષ નામના વ્યક્તિ પાસેથી છોટા હાથી ટેમ્પો ભરીને ભંગારનો સામાન ખરીદ્યો હતો. ભંગારનો સમાન બાંધવા માટે તિરંગાનો ઉપયોગ કરવામાં આવ્યું હોવાનું દેશભક્તોના ધ્યાનમાં આવતા દેશ ભક્તોની લાગણી દુભાઈ હતી. રાષ્ટ્રધ્વજ ભંગારમાં પડેલી હાલતમાં હોવાની વાત વાપી અને અજુબાજુના વિસ્તારોમાં ફેલાતા હિન્દૂ સંગઠનના આગેવાનો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસની ટીમને થતા વાપી ટાઉન PI સહિત કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ભંગારના ખુલ્લા ગોડાઉનમાં ચેક કરતા 15થી વધુ તિરંગા મળી આવ્યા હતા. જેમાં પેપર અને કાપડનો ભંગાર બાંધેલો હતો. વાપી પોલીસે વધુ ચેક કરતા શ્રી રામ ભગવાનની પ્રતિમા પ્રિન્ટ કરેલા કાપડ અને મુસ્લિમ ધર્મના ચિન્હ અને લખાણ વાડા કાપડમાંથી પણ ભંગારનો અલગ અલગ સામાન મળી આવ્યો હતો. વાપી પોલીસે 15થી વધુ રાષ્ટ્રીય ધ્વજ, રામ ભગવાનની પ્રતિમાન પ્રિન્ટિંગ વાળા કાપડ 2 અને મુસ્લિમ ધર્મના ચિન્હ તથા લખાણના પ્રિન્ટ કરેલા 5 કાપડ મળી આવ્યા હતા. વાપી ટાઉન પોલીસે ભંગાર ગોડાઉન સંચાલક પાસે ભંગારના ગોડાઉનનું લાયસન્સ સહિતના પુરાવા મંગાવ્યા હતા. અને ભંગાર ગોડાઉન સંચાલક રિયાકત ખાનની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં રિયાકત પાસે ભંગારના ગોડાઉન ચલાવવાનું કોઈપણ લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. વાપી પોલીસે FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની મિલમાં પ્રિન્ટિંગ ડિફેક્ટ થતા ધ્વજને ભંગારમાં અપાયા
વાપીના ભંગારના ગોડાઉનમાંથી મળેલા નેશનલ ફ્લેગ અને ભગવાનના ચિત્ર યુકત બેનરને લઇને સમગ્ર શહેરમાં દિવસભર ચર્ચા ચાલી હતી. જોકે, આ મુદ્દે ભાસ્કરની ટીમે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, ધાર્મિક બેનરો, ફલેગની પ્રિન્ટિંગ કરી આપતી સુરતની કોઇક મિલમાં આ ધ્વજા બનાવવામાં આવ્યા હતા. જોકે, પ્રિન્ટિંગમાં ડિફેક્ટ જણાતા આ ધ્વજા અને બેનરોને ભંગારિયાને સોંપી દીધા હતા.

સુરતના સંતોષ નામક એક ભંગારિયાએ વિજય નામક ઇસમને ટેમ્પો લઇને ભંગારનો સામાન વેચવા માટે મોકલ્યો હતો. વાપીના ભંગારિયાએ સુરતના વેપારી પાસેથી આ માલ ખરીદ્દો હતો. રાષ્ટ્રીય ધ્વજ અને ભગવાનના બેનરોનો કોઇ ઉપયોગ થયો ન હતો અને એકદમ ફ્રેશ જ દેખાતા હોવાથી પ્રિન્ટિંગ ડિફે્ક્ટને લઇને ભંગારમાં વેચી દીધા હોવાની શક્યતા જોવાઇ રહી છે.

મુસ્લિમ ધર્મના લખાણ યુક્ત 10 બેનર પણ મળ્યા
પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા રાષ્ટ્રીય ધ્વજ, ભગવાનના બેનરોની સાથે મુસ્લિમ ધર્મના લખાણવાળા 10 બેનરો પણ પણ પોલીસને મળી આવ્યા હતા. આમ સમગ્ર મુદ્દે પોલીસે હાલ તો ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

વોન્ટેડ સંતોષ અને વિજય પકડાયા બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે
વાપીથી ઝડપાયેલા લિયાકત ખાનને સંતોષ નામક ઇસમ રાષ્ટ્રીય ધ્વજ અને ભગવાનના બેનરો આપી ગયા હતા. વિજય ભંગાર ભરેલો ટેમ્પો લઇને સુરતથી આવ્યો હતો. સંતોષ અને વિજય હાલ વોન્ટેડ છે. જો આ બે આરોપી ઝડપાય તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે. - બી.જે. સરવૈયા, પીઆઇ, વાપી

અન્ય સમાચારો પણ છે...