દુર્ઘટના:બીલીમોરા-જોરાવાસણ વચ્ચે રખડતી ગાયનું ટોળું અચાનક ટ્રેક પર આવી જતા ગુડ્ઝની અડફેટે 11 ગાયના મોત, 3ને ઇજા

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ગાયોને ખસેડી રહેલા સામાજિક સંસ્થાના કર્મીઓ - Divya Bhaskar
મૃતક ગાયોને ખસેડી રહેલા સામાજિક સંસ્થાના કર્મીઓ
  • વલસાડ અગ્નિવીર ગૌસેવા દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા

વલસાડ અને બીલીમોરા આવેલા જોરાવાસણ ગામેથી પસાર થતી રેલવે લાઇન પરથી પૂરપાટ ઝડપે સુરત તરફ દોડી રહેલી ગુડ્ઝ ટ્રેનની અડફેટે 14 જેટલી ગાયો આવી જતાં 11 ગાયના મોત થતા ગ્રામ્ય સહિત પંથકમાં કમકમાટી સાથે ભારે ચકચાર મચી ગઇ હતી.જ્યારે 3 ગાયના પગમાં ઇજા પહોંચી હતી.મૃતક ગાયોના વેરવિખેર પડેલા શબને જોઇ ભારે શોકની લાગણી ફેલાઇ હતી. વલસાડ અગ્નિવીર ગૌ સેવા દળને જાણ થતાં કાર્યકરોએ સ્થળ ઉપર ધસી ઇજાગ્રસ્ત ગાયોને સારવાર આપવા લઇ જવામાં આવી હતી.આરપીએફ પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી.

વલસાડથી 20 કિમી દૂર આવેલા જોરાવાસણ ગામની સીમમાં રેલવે ટ્રેક પરથી શનિવારે સવારે 8 વાગ્યાના સુમારે એક ગુડ્ઝ ટ્રેન તીવ્ર ગતિએ પસાર થઇ રહી હતી.આ જ અરસામાં રખડતી14 જેટલી ગાયોનું એક ટોળું ચારણ ચરતાં ચરતા ટ્રેક ઉપર આવી જતાં કમનસીબે ટ્રેનની અડફેટે ચઢી ગયું હતું.જેના પગલે જોરદાર ટક્કર લાગતા આ 11 ગાયના કમકમાટીભર્યા મોત થયા હતા.જ્યારે 3 ગાયના પગના ભાગે ઇજા પહોંચતા તેમના પગે ફ્રેકચર થયા હતા.

આ ઘટનાની જાણ થતાં આજૂબાજૂના સ્થાનિકો સ્થળ પર પહોંચી ગયા હતા.ત્યારબાદ વલસાડ અગ્નિવીર ગૌ સેવાદળને જાણ કરતા દિનેશ ચૌહાણ સહિત કાર્યકરોની ટીમ વાહન લઇને જોરાવાસણ રેલવે ટ્રેક ઉપર અકસ્માતના સ્થળે પહોંચી મૃતક ગાયોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.આ સાથે ઇજા પામેલી 3 ગાયને નવસારીના ખડસુપા ગામની પાંજરાપોળમાંચ સારવાર માટે રવાના કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.

ડ્રાઇવરે જોરાવાસણ સ્ટેશન પર જાણ કરી
જોરાવાસણ ગામથી રેલવે ટ્રેક ઉપર પસાર થઇ રહેલી ગુડઝ ટ્રેનની ઝડપ તેજ હતી.અચાનક ગાયોનું ટોળું ટ્રેક પર આવી જતાં કેટલીક ગાયો કપાઇ તો કેટલીકને ધડાકાભેર ટક્કર લાગી હતી.આ અકસ્માત સર્જાતા ગુડ્ઝ ટ્રેનના ચાલકે જોરાવાસણ રેલવે સ્ટેશને જાણ કરી હતી.

2 ગાભણ ગાયના પેટમાંથી બચ્ચા નિકળ્યા
જોરાવાસણમાં ગુડ્ઝ ટ્રેનની અડફેટે આવી ગયેલી ગાયો પૈકી બે ગાય ગર્ભવતી હતી.જેને ટક્કર લાગતા પેટમાંથી બચ્ચાં બહાર નિકળી આવતાં કમકમાટી સર્જાઇ હતી.અમુક ગાયની ડોક કપાઇ ગઇ હતી.

ગાયોના કોઇ માલિક જોવા મળ્યા નથી
શનિવારે સવારે જોરાવાસણ ખાતે ટ્રેન હેઠળ ગાયોનો અકસ્માત થવાની જાણ થતાં ટીમ સાથે પહોંચ્યા હતા.જેની સારવાર માટે મોકલાઇ હતી.આ ગાયોનું કોઇ માલિક જોવા મળ્યું ન હતું.રખડતી ગાયો હોવાનું ગામમાંથી જાણવા મળ્યું હતું. > દિનેશ ચૌહાણ,અગ્નિવીર ગૌ સેવા દળ

અન્ય સમાચારો પણ છે...