ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:11 તીર્થગામ, અહીં 5 વર્ષમાં શૂન્ય પોલીસકેસ; કોઈ ગુનો નહીં, કારણ- લોકો કહે છે- સમસ્યા અમારી, ઉકેલ પણ અમે જ લાવીશું

કપરાડાનાં ગામોમાંથીએક મહિનો પહેલાલેખક: ઝુલ્ફીકાર તુંવર
  • કૉપી લિંક
વલસાડના તીર્થગામના લોકો કહે છે, સરકાર પાસેથી જે ગ્રાન્ટ મળશે એમાંથી ગામોમાં વિકાસનાં કામો કરાશે. - Divya Bhaskar
વલસાડના તીર્થગામના લોકો કહે છે, સરકાર પાસેથી જે ગ્રાન્ટ મળશે એમાંથી ગામોમાં વિકાસનાં કામો કરાશે.
  • છેલ્લાં 18 વર્ષમાં રાજ્યનાં 1000થી વધુ ગામોને તીર્થગામ જાહેર કરાયાં
  • આખા રાજ્યમાં 2021-22માં માત્ર વલસાડ તાલુકાનાં ગામોની પસંદગી
  • 18 વર્ષમાં 15 કરોડની ગ્રાન્ટ તીર્થ-પાવન ગામોને

રાજ્યમાં 2004-05થી આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી અત્યારસુધી 18 વર્ષમાં 1019 તીર્થગામ અને 406 પાવન ગામ જાહેર કરવામાં આવ્યાં છે. તીર્થગામો હેઠળ ગામને રૂ. 2 લાખની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. આ યોજનાની શરૂઆતના પહેલા વર્ષે જ 299 ગામને તીર્થગામ જાહેર કરાયાં હતાં. 2015-16માં એકપણ ગામ તીર્થ કે પાવન ગામ તરીકે પસંદગી પામ્યું નહોતું.

‘આમાલ પુલીસ ટેશનચા પાયરી ચડાયચા નાહીં. આપલે અસારખાય કે કાંઇ બી ઝગડા ગાવાતુલ બસુલ જે ઝગડાચા સમાધાન કરાય પાસજ’. અર્થ થાય છે કે આપણે કોઈએ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચડવા નથી. ગામના કોઇપણ ઝઘડાનું સમાધાન ગામની વચ્ચે લોકો સાથે મળીને મળી જ જશે. સ્થાનિક વારલી ભાષામાં આ વાત વારંવાર લોકોને કહેવામાં આવે છે. જો વાત પોલીસ સુધી કે કોર્ટ સુધી ગઇ તો બન્ને પક્ષોને માથે ખર્ચા આવશે. તમારે સમાધાન કરવું છે કે ખર્ચા? જો આપણે જ આપણા વડીલો - પંચની વાતો નહીં માનીએ તો મર્યાદા ક્યાં રહેશે? આ સાદી વાત રાજ્યના સૌથી પછાત ગણાતા કપરાડા તાલુકાનાં 11 ગામને તીર્થગામ પુરસ્કાર સુધી લઇ ગઇ છે. વર્ષ 2021-22માં આખા રાજ્યમાંથી માત્ર કપરાડાનાં જ ગામોની પસંદગી થઇ છે. તીર્થગામ યોજનામાં પસેદગી પામેલાં ગામોને 2-2 લાખની અલગથી ગ્રાન્ટ મળે છે. કેટલાકા લોકોએ તો એવું પણ કહ્યું હતું કે કે અમે છેલ્લે પોલીસ સ્ટેશન ત્યારે જ ગયા હતા જ્યારે અમે કોઇ ગુનો નથી કર્યો એવું પ્રમાણપત્ર જોઇતું હોય.

અમે કપરાડાનાં ગામોમાં જવા માટે વાપીથી અંદાજે 30 કિમી દૂર નાના પોંઢા ગામ પહોંચ્યા. નાના પોંઢા કપરાડાનું મોટું સેન્ટર છે. નાના પોંઢાથી આગળ જઇએ એ પહેલાં જ ગાડી બગડી. એક કલાક ઊભા રહ્યા બાદમાં કેટલાક સ્થાનિક યુવાનોએ જેમાંથી અમુક તલાટી યુવાનો પણ હતા. અમને આવીને તેમણે કહ્યું કે ‘ગાડી ભલે પડી રહી, આપણે મોટરસાઇલમાં સડસડાટ જતા રહીશું.’ રૂટ જોતાં અંદાજે 125થી 130 કિમી ફરવાનું હતું, પણ સફર શરૂ કરી દીધી. જ્યાં વિકાસને પહોંચતાં પણ ફાંફાં પડી જાય છે એવાં ગામોમાં લોકોના મનની વાત એ જ હતી કે ઓછી આવક વચ્ચે અમને કાંઇ પોલીસ, કોર્ટના ધક્કા ના પોસાય. કપરાડા તાલુકાનો સાક્ષરતા દર 50 ટકા આસપાસ જ છે, જે ગુજરાતમાં બોટમ ત્રણ તાલુકામાં આવે છે.

હૈદલબારી-શુકલબારી ગામના આગેવાન અને પૂર્વ સરપંચ રાજુભાઇ ભસરા સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ચા દૂધ વગરની કાળી જ મળે, પણ લોકોના મન ઊજળાં. તેમના જણાવ્યા પ્રમાણે, અમારે મન તો પંચ જ પરમેશ્વર. ગામમાં કોઇપણ બાબતે ઝઘડો થયો હોય તો પહેલા આજુબાજુના લોકો સમજાવટ કરે, એમ છતાં ઉકેલ ના આવે તો ગામના આગેવાનો મળીને પંચ બેસાડવાનું નક્કી કરે. નક્કી કરેલા સમયે બન્ને પક્ષ હાજર થાય. ગામલોકો પણ હોય. બન્ને પક્ષને સાંભળવામાં આવે. જો એમ લાગે કે કોઇ પક્ષની ભૂલ વધારે છે કે તેમના તરફથી ઝઘડાની શરૂઆત થઇ હતી તો તેમને જાહેરમાં ઠપકો આપવામાં આવે. જો પંચની પહેલી બેઠકમાં પણ કોઇ ઉકેલ ના આવે તો બીજી બેઠકમાં કડક પણ થવું પડે.

આ વિસ્તારમાં લોકો મોટે ભાગે વારલી ભાષાનો બોલચાલમાં ઉપયોગ કરે છે. કોંકણી પણ વપરાય છે. મોટા ભાગના ઝઘડાઓ સામાજિક, જમીનને લગતા હોય છે. છોકરા-છોકરીઓને લગતાં કારણો પણ હોય છે. ગામની જ એક મહિલા કહે છે, હવે તો અમે તો મેદાનમાં આવી જઇએ છીએ. પંચ સમક્ષ અમે પણ હકીકતો કહીએ છીએ. અંતિમ નિર્ણય પંચનો હોય છે જેને માનવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં પંચ સમક્ષ ચર્ચા બાદ જે નિર્ણય આવે એનું લખાણ પણ કરવામાં આવે છે. એની પર સહી, અંગૂઠા પણ કરવામાં આવે છે. લખાણમાં સાક્ષીઓની પણ જવાબદારી નક્કી કરવામાં આવે છે. આ લખાણની એક નકલ સ્થાનિક પોલીસને પણ જાણ માટે આપવામાં આવે છે.

બુરલા ગામના વસંતભાઇ કહે છે, ગામલોકોની હાજરીમાં બન્ને પક્ષની ચર્ચા થાય એમાં ખબર પડી જ જાય કે કયા પક્ષનો વાંક વધારે છે. સમાધાનથી મોટે ભાગે લોકો માની જ જતા હોય છે પણ ક્યારેક કોઇ કિસ્સામાં વાત દંડ સુધી પણ પહોંચી જતી હોય છે. તેમણે કહ્યું હતું કે આ રકમના ઉપયોગ માટે અમે બધાએ ભેગા થઇ નક્કી કર્યું છે કે ગામમાં પીવાના પાણીનાં કામોમાં ખર્ચ કરવો. કુંભસેત-ધારણમાળના સરપંચ બાપુભાઇ ખરેવડે કહે છે, ગામ હોય એટલે નાના-મોટા ઝઘડા અને મનદુઃખ તો થાય જ પણ ગામની મર્યાદાની વાતનો ઉકેલ ગામમાં જ આવી જાય એવો પ્રયાસ કરીએ છીએ. અમારાં ગામોમાં વસતિનું પ્રમાણ માપનું જ એટલે સમાધાન કરાવવામાં સરળતા પણ રહે છે. ગામના વડીલોની ભૂમિકા સૌથી અગત્યની હોય છે.

ટુકવાડા ગામના ઇનુભાઇએ જણાવ્યું હતુ કે અમે ગામમાં અલગ અલગ ફળિયા પ્રમાણે આગેવાનોને જવાબદારી આપી છે. આ વિસ્તારમાં આવક ઓછી એટલે અમે એ રીતે પણ સમજાવીએ કે જો વાત પોલીસ કે કોર્ટ સુધી જશે તો કપરાડા, સેલવાસ, વાપી, દમણના ધક્કા ખાવા પડશે. બીજા બધા ખર્ચા થાય એ અલગ. બન્ને પક્ષ રાજી રહે એ રીતે સમજાવટ કરાવી દેવાની. જો કોઇ સાવ વાત માનવાની ના પાડી દે તો ગામમાં એની તરફ કોઇ માનથી જુએ, પણ નહીં એટલે મોટે ભાગે ગામમાં પતાવટ થઇ જાય છે. નગર ગામના ધવળિયાતભાઇએ કહ્યું હતું કે અમારા ગામની તો એવી ચર્ચા ચાલી હતી કે સંઘપ્રદેશમાં જોડાઇ જશે, પણ અમે તો ક્યાંય જવાના નથી. ગામનું સુખ પણ અમારું અને ગામનું દુઃખ પણ અમારું.

કપરાડાનાં આ 11 ગામ તીર્થગામ બન્યાં

ગામસાક્ષરતા દર
નીરવડ26%
કેળધા49%
વડસેત45%
કુંભસેત45%
ધારણમાળ35%
હૈદલબારી58%
શુકલબારી49%
ટુકવાડા34%
નગર49%
વારોલી જંગલ45%
બુરલા44
અન્ય સમાચારો પણ છે...