ધરમપુરની સમરસ ગ્રામ પંચાયત મોટી ઢોલડુંગરીએ શિક્ષણક્ષેત્રે કાઠુ કાઢ્યું છે. 2 હજાર ની વસ્તી ધરાવતા આ ગામની ત્રણ દીકરીઓ MBBSમાં અભ્યાસ કરી રહી છે. ગામના 25થી વધુ યુવા ઈજનેર છે. ચાર પ્રોફેસરો કોલેજમાં સેવા આપી રહ્યા છે.
ગામના બીજા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. ગામની મહિલા સરપંચ સુનિતાબેન પટેલના જણાવ્યા મુજબ મોટી ઢોલડુંગરીમાં શિક્ષણની સાથે સાથે પ્રતિભાશાળી યુવકો,યુવતીઓ રમતગમતમાં પણ આગળ વધે એ ધ્યાને લઇ ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી મેદાન માટે સરકારમાં રજુઆત કરી છે. આ ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓ સરકારી ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એવા હેતુ માટે નવનિર્મિત પંચાયતના મકાનના ઉપરના માળે લાઇબ્રેરી કાર્યરત કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે કરાઇ રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગામમાં ATM શરૂ કરવા બેંકમાં પણ રજુઆત કરી છે.
ગામના સ્થાનિક તા.પ. યુવા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ કહે છે મોટી ઢોલડુંગરી સહિત આસપાસના ગામોમાં ખેતી કરતા લોકોને પિયત માટે પૂરતા પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા મહારાષ્ટ્ર પેટર્નના તળાવ બનાવવા માટે પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરવાનો છું. આ ઉપરાંત યુવાનોના સ્વાસ્થ્ય માટે જિમ શરૂ થાય એ માટે પણ રસ ધરાવનારાઓનો સંપર્ક કરી રહ્યો છું. છેલ્લા બે દાયકામાં ગામમાં શિક્ષણનું સ્તર ઊંચુ આવતા યુવા વર્ગને સરકારી અને ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી છે. જેને લઇને તેમના પરિવારની સ્થિતીમાં પણ સુધારો થયો છે. આગામી દિવસોમાં હજી સારા પરિણામો દેખાશે.
સહીયારો પ્રયાસ જરૂરી ગ્રાન્ટ માટે તમામ ચૂંટાયેલા જમપ્રતિનિધી પ્રયાસ કરે તો ગામ નંદનવન બનશે
ગ્રામ પંચાયતની જે પણ ગ્રાન્ટ આવે છે એમાંથી તમામ ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ તથા લોકોની સાથે બેસી ચર્ચા કરી ગ્રામસભામાં ગ્રાન્ટના વિકાસના તમામ કામોને અગ્રતાના ધોરણે લેવામાં આવે છે. આવનારા દિવસોમાં પણ ગામના વિકાસ માટે તમામ કામો ગ્રામજનો સાથે મળી કરવામાં આવશે. નવથી બાર સુધી અહીંના વિદ્યાર્થીઓ અહીજ અભ્યાસ કરી શકે એ માટે હાઇસ્કૂલ માટે સરકારના સંબંધિત વિભાગમાં રજુઆત કરીશું.આ ઉપરાંત ગામના યુવા વર્ગ અને વડીલો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવા માટે આગામી દિવસોમાં પંચાયત દ્વારા આયોજન કરાશે. - સુનિતાબેન કલ્પેશભાઇ પટેલ , સરપંચ
આયોજન ગામમાં ચોરી સહિત અન્ય ગુના રોકવા માટે મુખ્ય પોઇન્ટ ઉપર સીસીટીવી કેમેરા મુકવા જરૂરી
ગામમાં અનેક વખત ચોરીના કિસ્સા બન્યા છે. થોડાક દિવસ અગાઉ ગામના એક વ્યકતીની દુકાન કોઈ તત્વોએ તોડી નાખી હતી. જેથી ગામની સલામતીના ભાગરૂપે ગામ આખામાં CCTV કેમેરા લગાવવા જોઈએ. આ ઉપરાંત ગામના યુવા વર્ગ માટે પણ પંચાયત દ્વારા વિશેષ વ્યવસ્થા કરવી જોઇએ. જેથી કરીને ગામનો દરેક યુવક ઉચ્ચ શિક્ષણ મેળવીને પરિવારનું ભરણપોષણ કરવામાં સક્ષમ બને. હાલની પંચાયત બોડી દ્વારા અનેક વિકાસ કાર્યો થઇ રહ્યા છે. જે આગામી દિવસોમાં ગામજનોને લાભ દાયક નિવડશે. - હેમંતભાઈ રૂમસીંગભાઈ પટેલ , મોટી ઢોલડુંગરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.