કામગીરી પર અસર:વલસાડ વાસ્મોના કર્મીઓ પડતર માગ મુદ્દે સોમવારથી માસ સીએલ પર ઉતરશે

ધરમપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલ સે જલ યોજના કામગીરી પર અસર

વલસાડ વાસ્મોના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈઆગામી સોમવારથી માસ સીએલ પર ઉતરવાની માહિતી મળી છે. વલસાડ, નવસારી વાસ્મો કર્મચારીઓએ વાસ્મો કર્મચારી કલ્યાણ સંગઠનના નેજા હેઠળ તાજેતરમાં મંત્રી જીતુભાઇ ચૌધરીને વાસ્મો કર્મચારીઓને યોગ્ય ન્યાય આપવા બાબતે લેખિત રજુઆત બાદ સોમવારથી બુધવાર સુધી કાળી પટ્ટી ધારણ કરી પેન ડાઉન પર ઉતર્યા છે.

હવે આગામી સોમવારથી માસ સીએલ ઉપર ઉતરવાની વાત પણ કર્મચારીઓએ કરતા નલ સે જલ યોજનાની ફિલ્ડવર્ક, ફંડ રિલીઝ,રિપોર્ટિંગ સહિતની કામગીરી બંધ રહેવાની શક્યતા ઉભી થઇ છે. રજુઆતમાં જણાવ્યા મુજબ વાસ્મોની શરૂઆત સમયે મંજુર વાસ્મો સર્વિસ રુલ્સ-2002નો લાભ મેળવવા વડી કચેરીએ સમયાંતરે કરાયેલી રજુઆત છતાં કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી એમ જણાવી વાસ્મો સર્વિસ રુલ્સ-2002નું પાલન કરવા અને તમામ કર્મચારીઓ એ મુજબના લાભ શરૂઆતથી આપવા માંગ કરી છે.

તેમજ વિવિધ સરકારી વિભાગોમાં સમાન પ્રકારની કામગીરી કરતા સરકારી કર્મચારીને મળતા વિવિધ લાભો સહિત સમાન કામ સમાન વેતનનો લાભ આપવા, સતત ચાલતી પીવાના પાણી માટેની કામગીરીને લઈ નિયમિત કર્મચારીનો દરજ્જો આપી તેના લાભો આપવા, દરેક કર્મચારીઓને પીએફનો લાભ શરૂઆતથી આપવા અને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની સમયસર ચૂકવવી, સર્વિસ રુલ્સને ધ્યાને લઇ પોષ્ટવાઇઝ પગાર ધોરણ નક્કી કરવા અને દર ત્રણ વર્ષે નિયમિત રીતે પોષ્ટ અપગ્રેડેશન માટેનો લાભ અને પ્રવર્તમાન ધોરણો મુજબના પ્રવાસ ભથ્થા તથા ચાર્જ એલાઉન્સની ચુકવણી કરવા સહિતની વિવિધ માગોનો ઉલ્લેખ કરાયો છે.આમ આ કર્મચારીઓ માસ સીએલ પર જશે તો નલ સે જલ યોજના કામગીરી પર અસર થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...