ભાસ્કર વિશેષ:શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ ધરમપુરમાં પ્રથમ સફળ બાયપાસ સર્જરી કરવામાં આવી

ધરમપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરના દર્દીને હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સારવાર કરી આપી હતી

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીની પ્રેરણા અને માર્ગદર્શનથી કાર્યરત નૂતન શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ ધરમપુરે આ વિસ્તારની પ્રથમ બાયપાસ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી દક્ષિણ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સારવારની દિશામાં એક મહત્વનું સોપાન સર કર્યુ છે.

આ સાથે જ અહીંની વિશાળ ગ્રામીણ પ્રજા માટે ઉચ્ચ આરોગ્ય સારવારના દ્વાર ખુલી ગયા છે. ધરમપુરના ધામણી ગામના 52 વર્ષીય લક્ષીભાઈ વાંક ના હૃદયની ત્રણ નળીઓ બ્લોક હોવાનું નિદાન થયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલમાં તેમની બાયપાસ સર્જરી કરવાનું નક્કી થયું.

જેને લઈ સૂરતના સુપ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડૉ. રવિસાગર પટેલ અને તેમની ટીમે અહીં તેમના પર 12 મી નવેમ્બરે સફળતાપૂર્વક બાયપાસ સર્જરી કરી હતી. શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલના સમગ્ર સ્ટાફ અને મેડિકલ ટીમે તેમની અત્યંત કાળજીપૂર્વક સંભાળ લીધી હતી. અને તેઓ સર્જરી બાદ ભાનમાં આવી વાતો કરતાં સર્વેએ આનંદની લાગણી અનુભવી હતી.

બાયપાસ સર્જરી બાદની અત્યંત મહત્વપૂર્ણ સારવાર પણ તેમને અહીં આપવામાં આવી હતી. સંપૂર્ણપણે સ્વસ્થ થતાં તેઓને 19 નવેમ્બરે રજા આપવામાં આવી હતી. અને ખુશીથી પોતાના પરિવાર સાથે ઘરે પરત ફર્યા છે.

આયુષ્યમાન ભારત યોજના હેઠળ આ સમગ્ર સર્જરી નિઃશુલ્ક કરવામાં આવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ રાકેશજીની કરુણામય અને દૂરદર્શી ર્દષ્ટિએ આ વિસ્તારમાં ઉચ્ચ આરોગ્ય સારવારની પરિકલ્પના શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ રૂપે સાકાર થઈ છે.

ગ્રામીણ વિસ્તારમાં વિશ્વસ્તરીય સુવિધાઓ અને દરેક પ્રકારની ઉચ્ચ સારવાર ધરાવતી આ ચેરિટેબલ હૉસ્પિટલ નિષ્ઠાવંત નિષ્ણાત ડૉક્ટરો તેમ જ સહાનુભૂતિપૂર્ણ સ્ટાફથી સુસજ્જ છે. ઉચ્ચ માળખાકીય સુવિધાઓ અને ઉપકરણો સી. ટી. સ્કેન, કેથ લેબ, એન્જિયોગ્રાફી સાથે જ કુશળ આઈ.સી.યુ. ટીમ, ઓ.ટી. ટીમ સહિતનો પણ આ સર્જરીની સફળતામાં મોટો ફાળો રહ્યો છે.

આમ આધુનિક સુવિધાઓ, માનવીય અભિગમ અને સંતોના આશિષનો ત્રિવેણી સંગમ એવી શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ આ વિસ્તારમાં વરદાનરૂપ બની આરોગ્યસેવાઓની હરણફાળ ભરી વિશાળ જનસમૂહને આરોગ્ય પ્રદાન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...