પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીના પુત્ર અને રાજીવ ગાંધીના ભાઈ સ્વ. સંજય ગાંધીનો 14 ડિસેમ્બરના રોજ જન્મ દિવસ છે. તેમનું 1980માં મૃત્યુ થયું હતું. એક સમયે ભારતીય રાજકારણમાં તેમનો ડંકો વાગતો હતો.
સંજય ગાંધીના મૃત્યુ બાદ તેમની યાદગીરી નવસારીના એક સ્થળે જળવાઈ છે. આ અંગે નવસારી નગરપાલિકામાં 1980 -81ના અરસામાં પાલિકાના સભ્ય હતા એવા એ.ડી.પટેલ જણાવે છે કે,'સ્વ. સંજય ગાંધીના નામ સાથે પૂર્ણા નદીના કિનારે બંદર રોડ પર આવેલ જગ્યાએ વૃક્ષોનું વાવેતર કરી ત્યાં વનનું નામ ‘સંજય વન’ તે વખતના નગરપાલિકાના શાસકો આપ્યું હતું. ભૂતકાળમાં તો આ વિસ્તારમાં શહેરનો કચરો ઠાલવવાની ડમ્પિંગ સાઈટ પણ ન હતી અને ખૂબ જ સુંદર જગ્યા હતી. જેને લઇ સંજય વન પણ સુંદર હતું.
લોકો અહીં હરવા ફરવા પણ જતા હતા. જોકે સમય જતા આ જગ્યા બદતર થતી ગઈ છે. થોડા વર્ષ અગાઉ સંજય વનમાં પુનઃ વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું હતું પણ હાલ જૂજ યા નહિવત વૃક્ષો બચ્યા છે. હાલ તો સંજય વનમાં વન જેવું યા વૃક્ષ જેવું ખાસ રહ્યું જ નથી. પૂર્ણા નદીના કિનારે પણ પાણીના ખાબોચિયાં જ રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે નવસારી શહેરમાં એકમાત્ર વન યા લીલોછમ વિસ્તાર રહ્યો નથી અને સંજય ગાંધીના નામનું વન બનાવી પર્યાવરણ જાળવવાનો ઉદ્દેશ સિદ્ધ થયો નથી એમ કહીં શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.