ધરમપુરના મોહનગઢમાં આરોગ્ય વિભાગના જર્જરિત સબ સેન્ટરને નવું બનાવી શરૂ કરવા મોહનગઢના સ્થાનિક અગ્રણી પ્રદીપ પટેલ તથા સ્થાનિક રહીશોએ પ્રાંત અધિકારી તથા મામલતદાર અને પીએસઆઇને લેખિત રજુઆત કરી છે.
આવેદનપત્રમાં સ્થાનિકોએ સંબંદધિત અધિકારીઓને જણાવ્યું હતું કે, ગત 24/03/2022ના રોજ આ જર્જરિત આરોગ્ય સબ સેન્ટરને ફરીથી નવું બનાવી ચાલુ કરવા આવેદનપત્ર આપ્યું હોવા છતાં આ બાબતે કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. વધુમાં આ સબ સેન્ટરથી અહીં આરોગ્યની સારી સેવા ઉપલબ્ધ થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
આ સાથે આ સેન્ટરની બાજુમાં રહેતા પાલિકા સભ્ય વિકાસ જાદવ સામે સબ સેન્ટરમાં નુકસાન કરી રહ્યાનો આક્ષેપ કરી સામાન્ય તકલીફમાં આરોગ્યની સારવાર માટે હોસ્પિટલ, ક્લિનિક તથા અન્ય સ્થળે જવું પડે એમ જણાવી તેમની અરજી ધ્યાને લઇ જર્જરિત સબ સેન્ટરના સ્થાને ફરી નવું સેન્ટર ચાલુ કરવા અને પીવાના પાણીની ટાંકી માટે વિનંતી કરાઈ છે.
આક્ષેપ ખોટા છે, મકાન જર્જરીત હોય ઉતારી લીધેલું
આક્ષેપો પાયા વિહોણા છે. જેતે વિભાગે કાર્યવાહી કરી વર્ક ઓર્ડર આપી એજેન્સી મારફતે ઘણા સમયથી આ બંધ હાલતનું જર્જરિત અને જોખમી સબ સેન્ટરનું મકાન હોય જેને ઉતારી લેવામાં આવ્યું હતું. > વિકાસ જાદવ, પાલિકા સભ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.