ધરોહર:વહિયાળના ઐતિહાસિક રાજમહેલનું રીનોવેશન જરૂરી

ધરમપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશરે 200 વર્ષ જૂનો રાજમહેલ જાળવણીના અભાવે ખંડેર બની રહ્યો છે

ધરમપુરના નાની વહિયાળના જાળવણીના અભાવે ખંડેર ભાસી રહેલા ઐતિહાસિક રાજમહેલના રીનોવેશનની માંગ બળવત્તર બની છે. આશરે 200 વર્ષ પુરાણું રાજવી વારસો ધરાવતા આ રાજમહેલની દૂરદૂરથી મુલાકાતે આવતા સેહલાણીઓ માટે અહીં બનતી ત્વરાએ યોગ્ય કરી નવું કલેવર આપવામાં આવે એવી આવશક્યતા વર્તાઈ રહી છે. વલસાડ જીલ્લામાં એક માત્ર રાજવી સમયના આ રાજમહેલની ભવ્યતા અને સુંદરતાને નિખાર મળવાથી ધરમપુરમાં આવતા પર્યટકોને એક વધુ રજવાડી સ્થાન નિહાળવાની તક મળવાની સાથે સ્થાનિકોને રોજગારીની તક મળી શકે એમ છે.

અહીં સેલવાસ, ભાવનગર સહિત દુરદુરથી ખાસ પ્રિ-વેડિંગ શૂટિંગ માટે અવારનવાર ભાવી દંપતીઓ આવી અહીંની ભવ્યતાના સથવારે એક અનોખી ક્ષણને કેમરામાં કંડારી અમૂલ્ય સંભારણું રાખતા હોવાની વાત પણ પર્યટકો કરે છે. આ રાજમહેલના રીનોવેશન માટે તંત્ર તથા ધારાસભ્યને અનેક લેખિત તથા મૌખિક રજુઆત કરી હોવાની વાત નાની વહિયાળના પૂર્વ સરપંચ દિલીપભાઈ જે.પટેલે કરી હજુ સુધી આ દિશામાં યોગ્ય નહીં થયુ હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રિ-વેડિંગ શુટિંગ માટે નવુ ડેસ્ટિનેશન
ફ્રેન્ડના માધ્યમથી લોકેશનની મળેલી માહિતીને લઈ ભાવનગરથી ખાસ પ્રિ-વેડિંગ શૂટિંગ માટે અહીં આવ્યા છે. લોકેશન ઘણું સરસ લાગ્યું છે. આનંદ મળ્યો, રીનોવેશનની જરૂર છે. પીવાના પાણીની વ્યવસ્થા તથા સાફ સફાઈ થવી જોઈએ. પ્રિ-વેડિંગ શૂટિંગ અને ફરવા લાયક સુપર લોકેશન કહેવાય. બીજા મિત્રોને પણ અહીંના લોકેશન માટે કહીશું. > હિમાંશુ ચાવડા, ભાવનગર

​​​​​​​મહેલમાં અગાઉ શાળા, બેંક ચાલતી હતી
રાજમહેલમાં અગાઉ હાઈસ્કૂલ, કુમાર છાત્રાલય, બેંક, આયુર્વેદિક દવાખાનું તેમજ સુથારી કલાસ ચાલતા હતા. આ મહેલ માટે અગાઉ પણ તંત્ર તથા ધારાસભ્યને લેખિતમાં જાણ કરી હતી.પણ આજદિન સુધી આ મહેલની જાળવણી માટે કાર્યવાહી કરવામાં આવી નથી.હજી પણ બે વર્ષમાં તેનું રીનોવેશન કરવામાં ન આવે તો અંદરનો બધોજ ભાગ તૂટી પડવાની સંભાવના છે. જેને ધ્યાને લઇ આ મહેલનું તાત્કાલિક રિનોવેશન થાય એવી અપેક્ષા રાખું છું. > દિલીપભાઈ જે.પટેલ, પૂર્વ સરપંચ નાની વહિયાળ

અન્ય સમાચારો પણ છે...