ધરમપુરના ‘ટ્રી મેન’નું અનોખું અભિયાન:એકલા હાથે સાગના 5 હજાર વૃક્ષ રોપ્યા; વધુ 5 હજાર રોપા વહેંચશે, જેમને આપશે એમના નામની તકતી મૂકશે

ધરમપુરએક મહિનો પહેલાલેખક: રફીક શેખ
  • કૉપી લિંક
રતિલાલ પટેલની તસવીર - Divya Bhaskar
રતિલાલ પટેલની તસવીર
  • મેં ઉછેરેલા વૃક્ષોથી જ મારું ઘર બનાવીશ, આ સપનાએ સામાન્ય વ્યક્તિને વૃક્ષપ્રેમી બનાવ્યો
  • અનોખા અભિયાનને સ્થાનિક તંત્ર, વન વિભાગનો સહકાર મળ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં નાની વહિયાળ ગામ આવેલું છે. આ ગામના મંદિર ફળિયામાં તદ્દન કાચા મકાનમાં રહેતા રતિલાલ પટેલે 21 વર્ષ પહેલા જોયેલું સપનું આજે સાકાર થયું છે એટલું જ નહીં તેમનું આ સપનું સમગ્ર વિસ્તારમાં એક અનોખા અભિયાનનું નિમિત્ત પણ બન્યું છે.

વર્ષ 2001માં તેમને વિચાર આવ્યો કે, ભવિષ્યમાં જ્યારે પણ તેઓ પોતાનું ઘર બનાવશે તો મારી પોતાની મહેનતથી ઉછરેલા વૃક્ષના લાકડાથી જ મારુ ઘર બનાવશે. આ વિચારને ચરિતાર્થ કરવા અને સાથે વૃક્ષો થકી પર્યાવરણના જતનમાં પણ મદદરૂપ થશે એવા સંકલ્પ સાથે મોટી વહિયાળમાં તેમણે ત્રણ એકર જમીનમાં 5 હજાર સાગના રોપાનું વાવેતર કર્યું હતું. 21 વર્ષ પહેલા થયેલી આ શરૂઆતને કારણે આજે સાગના વૃક્ષોનું વિશાળ વન સર્જાયું છે. આ સમયે અન્ય લોકો પણ વૃક્ષોનું વાવેતર કરી આર્થિક સદ્ધરતા મેળવે એવા વિચાર સાથે લોકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા પ્રયાસો હાથ ધરી અત્યાર સુધીમાં વિવિધ ગામોમાં આશરે બે લાખ રોપાનું વાવેતર કર્યું છે.

આ અભિયાન નિરંતર ચાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. રતિલાલ પટેલે કહ્યું કે, જયાં જરૂર હોય ત્યાં સામાજિક વનીકરણના સહકારથી રોપાનું વાવેતર કરતો રહું છું. મારા આ અભિયાનને પૂર્વ મંત્રી રમણ પાટકર, કલેકટર, ડીડીઓ, સાંસદ કે.સી.પટેલ, પ્રયોજના વહીવટદાર તથા વલસાડ ઉત્તર વન વિભાગનો સહયોગ મળી રહ્યો છે.

હવે નવું અભિયાન, 63 વર્ષીય રતિલાલ લોકોને પોતાની સાથે જોડશે
વધુ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો, વૃક્ષો થકી માનવ જીવન સમૃદ્ધ બનશેના સૂત્ર સાથે 63 વર્ષીય રતિલાલે નવું અભિયાન શરૂ કર્યું છે. તેમણે 5 હજાર રોપાના વિતરણની શરૂઆત કરી છે. રસપ્રદ વાત એ છે કે જે પણ વ્યક્તિ રોપા મેળવી રોપશે એમના નામની તકતી ટ્રી ગાર્ડ પણ મુકવામાં આવશે. તેમણે આ અભિયાનમાં જોડાવા માટે તેમણે મોબાઇલ નંબર જાહેર કરીને રજિસ્ટ્રેશન કરાવવા સ્થાનિક લોકોને હાકલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...