તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ધરમપુર તાલુકા પંચાયતની સભામાં વિકાસના કામો ન લેવાતા વિપક્ષના ધરણા

ધરમપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15મા નાણાંપંચ હેઠળ મંજૂર કરેલા કામોની યાદીમાં વિપક્ષે રજૂ કરેલા કામોની બાદબાકી કરવામાં આવતા તા.પં.નો ઘેરાવ કરવાની ચિંમકી

ધરમપુર તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભામાં કરોડોના વિકાસના સૂચિત કામોમાં કામો નહીં લેવાયા હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધા અને અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે નારાજગી સાથે રજુઆત કરી વિપક્ષી સભ્યો તા. પં. ની બહાર ધરણા પર ઉતર્યા હતા.

ધરમપુર તા.પં. પ્રમુખ રમીલાબેન ગાંવિતની અધ્યક્ષતામાં મળેલી ખાસ સામાન્ય સભામાં 15માં નાણાંપંચ વર્ષ 2020-21ની ગ્રાન્ટ 3.6 કરોડ અને અને વર્ષ 2021-22ની સંભવિત ગ્રાન્ટ 2.26 કરોડ મળી કુલ રૂપિયા 5.33 કરોડની સામે રૂપિયા 7.39 કરોડના તાલુકા આયોજન સમિતિને મળેલી દરખાસ્ત મુજબના સૂચિત 223 વિકાસના કામોના બે વર્ષના આયોજન રજૂ કરાયા હતા. જોકે આ સૂચિત કામોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફેરફાર થવાની વાત પણ થઈ હતી.

ત્યારે આ કામોમાં નાની ઢોલડુંગરી તા.પ.બેઠકના અપક્ષ આદિવાસી સભ્ય કલ્પેશ પટેલે તેમણે સૂચવેલા કામો આયોજનમાંથી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરી તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ પાંચ ગામોના લોકો સરકારમાં ટેક્ષ નથી આપતા એવો પ્રશ્ન ઉઠાવી પત્રકારોને પણ સભામાં બોલાવવામાં આવતા નથી એમ જણાવી નારાજગી વ્યક્ત કરી વાંધો ઉઠાવી કામોની સ્પષ્ટતાની માંગ કરી હતી. વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ બધા તાલુકામાં સરખું આયોજન કરાયું છે એમ કહી કામો નહીં લેવાયા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

સભા પૂર્ણ થતાં બાળુભાઈ સિંધા, અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને વિપક્ષી સભ્ય કાળુભાઈ બાબલ્યાભાઈ તુંબડા, રેખાબેન રાજેશભાઈ પટેલ, ધીરુભાઈ ઈકલભાઈ અને રેખાબેન અમ્રતભાઈ પટેલ તા.પ.ના પટાંગણમાં ધરણા પર ઝરમર વરસાદમાં બેસી ગયા હતા. આ ઉપરાંત સભામાં કલ્પેશ પટેલે પ્રવાસીઓની સુવિધા માટે બીલપુડી ધોધનો રસ્તો બનાવવા, રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ અને બેંક દ્વારા આદિવાસીઓને ગાયની લોન બંધ કરાઈ હોવાની રજુઆત કરી હતી.

વિકાસ કાર્યોનો સમાવેશ ગાઇડલાઇન મુજબ કર્યો છે
ધરમપુર તાલુકા આયોજન સમિતિની અધ્યક્ષ તરીકે 15નાણાંપંચની વર્ષ 2020/21ની ગ્રાન્ટ અને વર્ષ 2021/22ની સંભવિત ગ્રાન્ટમાં તાલુકાના વિકાસના કામોનો સમાવેશ સરકારની ગાઇડલાઈન મુજબ કર્યો છે. જેમાં ફેરફાર પણ સરકારની ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે. - રમીલાબેન ગાંવિત, પ્રમુખ, તાલુકા પંચાયત, ધરમપુર

તો પાંચ દિવસમાં ન્યાય યાત્રા કાંઢી તા.પં.નો ઘેરાવ કરીશું
મારા વિસ્તારમાં આવતા ત્રણ ગામોમાં એક પણ કામ આવ્યું નથી. જિલ્લામાં તમામ તાલુકામાં સરખી રીતે યોગ્ય આયોજન કરાયું છે. ત્યારે મૌખિક રજુઆત કરતા પક્ષપાત ભર્યું વલણ કરાયું છે. જો યોગ્ય અને સરખું આયોજન નહિ કરે તો આવનારા પાંચ દિવસમાં અમેં ન્યાય યાત્રા કરી તાલુકા પંચાયતનો ઘેરાવ કરીશું. - બાળુભાઈ સિંધા, વિરોધપક્ષના નેતા

વાંધો લેવામાં આવતા કહેવામાં આવે છે કે સભા પૂરી થઇ ગઇ
જ્યા સુધી ન્યાય મહી મળે DDO, કલેકટરને રજુઆત કરીશું. પ્રતિનિધિ તરીકે તા.પ.ના 24 સભ્યોએ સુચવેલા કામો સમાન રીતે લેવા જોઈએ. કરોડોના સૂચિત કામોને બહાલી આપવાની સભા હતી. અમે અમારા વિસ્તારમાં કામોની કરેલી દરખાસ્તમાં માત્ર એક એક કામો લેવાયા છે. વાંધો લેતા એવું કહેવામાં આવે છે કે સામાન્ય સભા પુરી થઈ ગઈ. ભેદભાવ ભરી નીતિ તા.પ. દ્વારા ચલાવવામાં આવે છે. એ ચલાવી લેવામાં આવશે નહિ. - કલ્પેશ પટેલ, અપક્ષ અદિવાસી તા.પ.સભ્ય

અન્ય સમાચારો પણ છે...