ધરમપુરના સૂચિત પૈખેડ ડેમ સામે ઉઠેલા વિરોધના સુર સાથે ચાસમાંડવામાં વાંસદા ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પણ સૂચિત ચાસમાંડવા ડેમ સામે વિરોધનો સુર ઉઠ્યો હતો. આ બેઠકમાં આગામી 28 ફેબ્રુઆરીએ ધરમપુરમાં અદિવાસી સમાજ અને સંભવિત વિસ્થાપિત થનારા લોકો સાથે સૂચિત ડેમ નહીં બનાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવાની વાત પણ થઈ હતી.
ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં સૂચિત પૈખેડ ડેમ અને સૂચિત ચાસમાંડવા ડેમ સામે વિરોધનો સુર વધુ તેજ થઇ રહ્યો છે.વિવિધ 8 ગામોમાં સૂચીત પૈખેડ ડેમ સામે મંગળવારે રાત્રીએ નીકળેલી મશાલ રેલીમાં મહિલાઓ ,બાળકો પણ જોડાયા હતા.તો બીજી તરફ ગુરૂવારે ચાસમાંડવામાં યોજાયેલી બેઠક યોજાઇ હતી.જેમાં સૂચિત ડેમથી 15થી 20 ગામ ડૂબાણમાં જવાની ભીતિ સાથે ભારે વિરોધનો સૂર ગ્રામજનોમાં જોવા મળ્યો હતો.
આ બેઠકમાં વાંસદા ધારાસભ્ય અનંતભાઈ પટેલે સૂચિત ડેમથી 2000 પરિવારો વિસ્થાપિત થવાની ભીતિ વ્યકત કરી કોઈ પણ ભોગે ડેમ નહીં બનવા દેવા જરૂર પડ્યે આંદોલન કરવાની અને વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા ખાતરી આપી હતી. રાજ્ય સરકાર આદિવાસીઓનું અહીત કરવા બેઠી હોવાનું જણાવી. આગામી 28 ફેબ્રુઆરીએ 15થી 20 હજાર લોકો આ ડેમનો વિરોધ કરવા ધરમપુરનો ઘેરાવ કરશે તેવી ચિમકી આપી હતી. બેઠકમાં આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલે સહકાર અને સમર્થન માટે આવ્યા છે એમ જણાવી સંગઠન ટકાવી રાખવા જણાવ્યું હતું. ખપાટીયાના વડીલ કાશીનાથ ભાઈએ સંગઠિત થવા અને મશાલ રેલી કાઢવા અપીલ કરી હતી. તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે દરેક ફળીયામાં બેઠક કરવા અને એકજુટ રહેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં એક યુવાને સૂચિતડેમથી અદિવાસી પરીવાર વેરવિખેર થઈ જશે એવી ભીતિ વ્યકત કરી હતી. અન્ય અગ્રણીએ સૂચિત ડેમનો સખત વિરોધ કરવા અને દરેક ગામમાં બોર્ડ લગાવવા અને ગાંધી ચીંધ્યા માર્ગે કામ નહીં કરવા દેવાની વાત કરી હતી. આ બેઠકમાં બોપી પૂર્વ સરપંચ મણિલાલ ગાંવિત, ચવરાના અગ્રણી કેશવ જાદવ, નડગધરીના દિનેશભાઈ ભોયા, પૂર્વ જી.પં.સભ્ય ઝીણાભાઈ પવાર, સમસ્ત અદિવાસી સમાજ વાંસદાના ચિરાગ પટેલ સહિત વિવિધ ગામના અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.