વાતાવરણમાં પલટો:ધરમપુરમાં ભારે પવનથી અનેક વૃક્ષો ધરાશાયી, 1નું મોત

ધરમપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર પિયાગો રિક્ષા પર નીલગીરી વૃક્ષ ધરાશાયી ચાલકનું મોત - Divya Bhaskar
ધરમપુર પિયાગો રિક્ષા પર નીલગીરી વૃક્ષ ધરાશાયી ચાલકનું મોત
  • ડાંગરના ઉભા પાક જમીનદોસ્ત, માલનપાડામાં વૃક્ષ પડતા રિક્ષાચાલકનું મોત, બારોલીયા શાળાના 11 પતરા ઉડયા

ધરમપુરમાં દિવસભર ગરમીના બફારા વચ્ચે બપોરે અચાનક ફૂંકાયેલા ભારે પવનમાં માલનપાડા હનુમાનજી મંદિર નજીક પિયાગો રિક્ષા ઉપર નીલગીરીનું તોતીંગ વૃક્ષ પડતા દબાયેલા ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. માલનપાડાથી ફૂલવાડી ફાટક સુધી રસ્તા પર ધરાશાયી થયેલા વૃક્ષોને લઈ વાહનોથી સતત વ્યસ્ત આ માર્ગ પર એક કિમી જેટલી વાહનોની કતાર જામી હતી. બીજી તરફ ભારે પવન સાથે વરસાદમાં ખેતરોમાં તૈયાર ડાંગરનો ઉભો પાક પડી જતા ખેડૂતોને નુકશાનની ભીતિ ઉભી થઇ છે.

ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પર માલનપાડા, બારોલીયા અને ફૂલવાડી ફાટક સુધી રસ્તા પર વૃક્ષો ધરાશયી થતા ટ્રાફિક જામ
ધરમપુરથી નાનાપોંઢા માર્ગ પર માલનપાડા, બારોલીયા અને ફૂલવાડી ફાટક સુધી રસ્તા પર વૃક્ષો ધરાશયી થતા ટ્રાફિક જામ

ધરમપુરમાં બપોરે અચાનક ફૂંકાયેલા ભારે પવનને લઈ માલનપાડા નવી નગરી હનુમાનજી મંદિર નજીક રસ્તા પરથી પસાર થતી પિયાગો રીક્ષા નંબર GJ-15-TT-1922 ઉપર રસ્તાની બાજુમાં આવેલા નીલગીરીનું વૃક્ષ ધરાશયી થતા દબાયેલા કાકડકુવા હાથી ફળીયાના આશરે 42વર્ષીય ચાલક ગણેશભાઈ છોટુભાઈ પટેલનું ગંભીર ઇજા થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં PSI એસ.જે.પરમાર અને સ્ટાફ સ્થળ પર આવી પહોચ્યાં હતા.

જેસીબીથી ઠેર ઠેર વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી
જેસીબીથી ઠેર ઠેર વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

સ્થાનિક પાલિકા સભ્ય સુરેશભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે ઘટના અંગે પાલિકા ફાયર વિભાગને જાણ કરતા આવી પહોચેલા ફાયર વિભાગના લાશ્કરોએ બે જેસીબી લગાવી ધરાશયી વૃક્ષને રિક્ષા અને રસ્તા પરથી હટાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રિક્ષામાં સવાર અન્ય બે મહિલાને થોડી ઇજા થતાં ગભરાઈને ત્યાંથી જતી રહી હોવાની માહિતી સ્થળ પરથી મળી હતી. ઘટનાની જાણ થતા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સંબંધિતોને જાણ કરી મૃતકના પરિવારને સરકારી સહાય માટે ખાતરી આપી હતી.

ધરમપુર તાલુકામાં તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું
ધરમપુર તાલુકામાં તૈયાર ડાંગરના પાકને નુકસાન થયું

સ્થળ પર દોડી આવેલા કાકડકુવા સરપંચ આનંદભાઈ બારીયા, પુર્વ જી.પ.સભ્ય અરવિંદભાઈ અટારા સહિતે પોલીસ, પાલિકાકર્મીઓ સાથે એમ્બ્યુલન્સમાં ચાલકના મૃતદેહને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બીજી તરફ ધરાશાયી વૃક્ષોને લઈ RFO હિરેન ડી.પટેલે ટીમોને મોકલી રસ્તા પરથી વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર શરૂ કરાવવા કવાયત હાથ ધરી હતી. નાનીવહિયાળના પુર્વ સરપંચ દિલીપભાઈ જે.પટેલ અને બામટીના પુર્વ સરપંચ વિજયભાઈ પાનેરીયાએ જણાવ્યું કે, ભારે પવન અને વરસાદથી ખેતરોમાં તૈયાર ડાંગરના પાક સાથે કાચો પાક પણ પડી જતા ખેડૂતોને નુકશાનની ભીતિ છે.

પૂર્વ સરપંચ દિલીપ પટેલે તાલુકામાં ડાંગરના પાકમાં થયેલા નુકસાનના ખેડૂતોને વળતર માટે સરકારમાંથી વળતર માટે લાગણી વ્યક્ત કરી હતી.આ ઉપરાંત શ્રી રામેશ્વર માધ્યમિક શાળા બારોલિયાના વર્ગખંડ પર મહુડાના વૃક્ષની મોટી ડાળી ધરાશાયી થતા સિમેન્ટના 11 પતરા તૂટી ગયા હતા. સદસીબે વિદ્યાર્થીઓ નહીં હોવાથી કોઈ જાનહાની નહીં થઈ હતી. ધરમપુર તાલુકામાં ભારે પવનથી ખાનાખરાબી થઇ હતી.

કપરાડામાં બે કલાક ધોધમાર વરસાદથી ડાંગર પાકને નુકસાન
કપરાડામાં બે કલાક અતિ ભારે વરસાદ ડાંગર પાક જમીનદોસ્ત થતા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ગાજ વીજ સાથે વરસાદ પડવાથી રસ્તા ઉપર પાણી ભરાયા હતા. ડાંગર પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરો તૈયાર થઈને પાક જમીનમાં ઉભો છે પરંતુ ભારે વરસાદના પગલે ડાંગર પાકને નુકસાન થવાની સંભાવના છે. કપરાડાના વારોલી તલાટ ગામના રાઉત ફળીયાના ખેડૂત જગદીશ હરજુભાઈ સાપટાએ ચોમાસામાં રોપેલું ડાંગર બિલકુલ તૈયાર થઈ ચૂક્યું છે. વરસાદથી ડાંગર ક્યારીમાં જ ઊગી નીકળ્યું છે. એવા તો ઘણા ખેડૂતો છે કે તેઓના ખેતર તૈયાર થઈ ચૂક્યા છે પરંતુ બુધવારે બપોરે વરસેલો વરસાદે ડાંગર પાક જમીન ભેગો કરી દેતા પાકને નુકસાન થવાની સંભાવના વધી છે.

અન્ય સમાચારો પણ છે...