દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ગણાતા ધરમપુર કેરી માર્કેટમાં વેપારીઓ આ વર્ષે કેરીની આવકમાં એક મહિનો વિલંબ થવાની વાતથી રાહ જોઇને બેઠા છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ, પ્રતિકૂળ વાતાવરણ અને અસહ્ય ગરમીથી સાવ ઓછો પાક ઉતરવાની વચ્ચે વેપારીઓએ સ્ટોલની તૈયારીઓ આરંભી છે.જોકે હાલતો અથાણાની ટોટાપુરૂ કેરી જ જોવા મળી રહી છે.બાકી સિઝ્નની કેરી માટે વલસાડ, નવસારી, સુરત સહિત દૂરદૂરથી ધરમપુરમાં ખરીદી અર્થે આવતા કેરી રસિયાઓને રાહ જોવી પડશે.
ધરમપુરના જાણીતા કેરીના વેપારી હરદીપસિંહ રાવલજી અને શક્તિસિંહ રાવલજીએ જણાવ્યું હતું કે, 15 દિવસ અગાઉ અથાણા લાયક કેરીની થયેલી શરૂઆત છતાં અત્યારે કેરીની આવકમાં વધારો જોવા નથી મળી રહ્યો. કેરીના વેપારી પ્રણવ કોટકના જણાવ્યા મુજબઅખાત્રીજથી માલની આવક થવાની સંભાવના છે. આ વર્ષે ઓછી કેરી છે અને સિઝન જૂન આખર સુધીમાં પૂર્ણ થઈ શકે એવું લાગે છે. માલની અછતને લઈ ભાવ ઊંચા જવાની શકયતા નથી.
ગત વર્ષે દૈનિક 200 મણના સ્થાને હજુ કેરી નથી
પાકી રાજાપુરી ગત એપ્રિલના આરંભમાં શરૂ થઈ હતી. અને તે વખતે દૈનિક 100થી 200 મણના સ્થાને આ વર્ષે હજુ સુધી કેરી નથી આવી. આ વર્ષે અંદાજે 15 ટકા માલ આવી શકે એવું લાગે છે. ગયા વર્ષે આ સમયે કેસર,હાફૂસ અને રાજાપુરી મળી 1000થી 1500 મણ માલ ભરાતો હતો. મોડી સિઝન માલ ઓછોને લઈ ધંધો ઓછો થવાથી ખેડૂત, વેપારીઓને નુકસાન થવાની સંભાવના છે. - હરીનાથ યાદવ , કેરીના વેપારી
ખેડૂતોને સંતોષકારક ભાવ મળી શકશે
બામટી એપીએમસીની મુલાકાત લેતા સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઇ આહિરે જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતા આ વર્ષે સિઝન એક મહિનો લેટ છે. અને ગયા વર્ષની સરખામણીમાં પાક ઘણો ઓછો છે. જે ખેડૂતો પાસે કેરીનો પાક છે એને સંતોષકારક ભાવ મળી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.