આગ:આશુરામાં જમીનના ઝઘડામાં ત્રણ ઇસમે ઘરમાં આગ ચાપી

ધરમપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુમાબુમ થતા આજુબાજુના લોકોએ દોડી આવી આગ બૂઝાવી

ધરમપુરના આસુરા ગામે જમીનના ઝઘડાની અદાવતમાં ત્રણ ઇસમોએ આગ ચાપતા મામાલો પોલીસ મથકે પહોચ્યો છે. ધરમપુરના આસુરા ગામદેવી ફળીયાની મનિષાબેનના પતિ મનોજભાઇની માસી મણિબેન ભંગીયાભાઈ પટેલે આશરે સાઠેક વર્ષ પેહલા આસુરા ગામદેવી ફળીયાના હેમલ ખંડુભાઈ મોટાનાયકના દાદા રેવલાભાઈએ ઘર બનાવવા પોતાની જમીન આપી હતી.

આ જમીનમાં માસીએ નળીયા તથા પતરાવાળુ મકાન બનાવ્યું હતું. જેમાં મનોજભાઈ માસી સાથે નાનપણથી રહેતા હતા. આ જમીન બાબતે તેમનો ગામદેવી ફળીયાના હેમલ મોટાનાયક, સુરેશ રેવલાભાઈ મોટાનાયક તથા આસુરા કુંકણ ફળીયાના ભરત દીવા સાથે માસી ગુજરી ગયા બાદથી ઝગડો ચાલતો હતો. આઠેક દિવસ પહેલા તેઓએ ઘર ખાલી ન કરશો જેસીબી ફેરવી નાખીશું અને ઘર સળગાવી દેશું એવી ધમકી આપી હતી.

ગત શુક્રવારે રાત્રે વોચમેનની નોકરી ઉપર પતિ મનોજભાઈ ગયા બાદ મનીષાબેન બંને દિકરીઓ સાથે સુઈ ગયા હતા ત્યારે રાત્રે 1 વાગ્યે અચાનક ઘરની પાછળ આગ લાગી હતી. જેને લઈ મનિષાબેન બંને દિકરીઓને જગાડી ઘર બહાર નીકળી બૂમાબૂમ કરતા આસપાસના લોકોએ ભેગા થઈ બોરમાંથી મોટર ચાલુ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે મનિષાબેન પટેલે ઉપરોક્ત ત્રણ ઇસમોએ અગાઉ પણ જમીનમાંથી ઘર કાઢવા સળગાવી દેવાની ધમકી આપી હોવાથી રાત્રીના સમયે રહેણાંક મકાનના ખૂણાના ભાગે આગ લગાડી સળગાવી રૂપિયા 15,000 નુકસાન કર્યું હોવાની ફરીયાદ ધરમપુર પોલીસ મથકે આપી છે.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...