ધરમપુર-પારડી અને ઉમરગામ તાલુકામાંસોમવારે ફૂંકાયેલા પવન સાથે કમોસમી માવઠાથી આંબા કલમો પર બેસેલી કેરી તથા મોરમાં ખરણ થતા નુક્સાન થયું છે. આ સાથે વાતાવરણ વધુ બગાડ થવાની સ્થિતિમાં કેરી પાકમાં વધુ નુકસાન થયું છે. પવન સાથે વરસાદમાં કેટલાક ગામમાં ઘરોના પતરા, નળિયા તથા આંબા કલમ તૂટી પડતા નુકશાન થયું છે.
ધરમપુર તાલુકામાં સોમવારે પવન સાથે માવઠાથી અંતરીયાળ ધામણી ગામે હાટબજારમાં હંગામી સ્ટોલના પ્લાસ્ટિક ઉડી જતા માલસામાન ભીંજાયો હોવાનું દીક્ષિત તથા આનંદભાઈ વાધારીએ જણાવ્યું હતું. મોટી કોરવળના રઘુભાઈના જણાવ્યા મુજબ મોટી કોરવળમાં બે તથા નાની કોરવળમાં એક મકાનના પતરા, નળિયાને પવન ફૂંકાતા નુકસાન થયું હતું.
તામછડીના તુલજી દાહવડે ત્રણ વર્ષ મેહનત કરી રોપેલી 60 પૈકી 15 આંબાકલમ પવનમાં પડી ગઈ હતી. ભૂતરુનના કમલેશ પારીયાના જણાવ્યા મુજબ ખોબા, ભૂતરન, તુતરખેડ, ખપાટીયા, મોટી કોરવળ, નાની કોરવળ, ગુંદીયા સહિતના મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ગામોમાં ભારે પવન અને વરસાદથી નાની કેરી તથા ફૂલ ખર્યા હતા. નાની કોસબાળીમાં પણ મકાનના પતરાને નુકસાન થયું હોવાની માહિતી મળી છે.
બીજી તરફ ઉમરગામ તાલુકામાં પણ મંગળવારે ગાજ વીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. સતત પવન ફૂકાતા આંબાવાડીની મંજરી ખરી પડી હતી.આંબાવાડી માં મરવા ખરી પડતાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.પવનમાં આંબા વાડીનાં ઝાડો ઠેરઠેર જમીનદોસ્ત થયા હતા.જે ખેડૂતો માટે મોટી નુકસાની પુરવાર થઈ છે.તો પારડી તાલુકામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કારણ કે આ તાલુકામાં કેરી પરના મોર, મરવા ખરી પડવાની સાથે ચીકુના પાકને પણ માઠી અસર થઇ હોવાનું જાણવા મળે છે.
બચેલા પાકને આ રીતે બચાવી શકાય
હાલમાં આંબામાં અંતઃસ્ત્રાવની ઉણપના કારણે આંબા પરની નાની કેરી ખરી પડવાની શક્યતા છે. આ સંજોગોમાં 1000 લીટર પાણીમાં પ્લાનોફીક્ષ 450 મિલી અને 20 કિલો યુરીયા મિશ્ર કરી છંટકાવ કરવો. પ્લાનો ફીક્ષનો છંટકાવ કરતા સમયે પાણીમાં પ્લાનોફીક્ષ સિવાય બીજા કોઈ પણ જંતુનાશકો મિશ્ર કરવા નહિ, નવસારી કૃષિ યુનીવર્સીટી દ્વારા વિકસાવેલ નોવેલ સેન્દ્રીય પ્રવાહી 10 લીટરને 1000 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરી શકાય.> ડો. ડી.કે.શર્મા, કૃષિ પ્રાયોગિક કેન્દ્રના વૈજ્ઞાનિક,પરીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.