જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીએ શિયાળુ પાક તુવેર તથા બાગાયતી કેરી પાકની ખેતીમાં નુકસાનની સંભાવના વધારી છે. ગત વર્ષની સરખામણીમાં આંબા કલમ પર જોવા મળેલ વિપુલ પ્રમાણમાં મોરને લઈ આ આગાહી સાચી સાબિત ન થાય એવી લાગણી બાગાયતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
નાયબ બાગાયત નિયામક કચેરી, વલસાડમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આ વર્ષે ત્રણ તબક્કામાં આવેલા ફલાવરિંગ પૈકી પ્રથમ ફલાવરિંગમાં કેરીનું બેસણ સારું થયું છે. અને કેરી પણ માર્બલ સ્ટેજમાં છે. જેથી વરસાદ નહીં આવવાની સ્થિતિમાં આ વખતે કેરીના સારા પાકની શકયતા વધી છે.
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તા.1થી6 માર્ચ માર્ચ દરમ્યાન કમોસમી વરસાદની આગાહી અન્વયે વલસાડ જિલ્લામાં 5અને 6 ફેબ્રુઆરી દરમ્યાન સંભવિત કમોસમી વરસાદની આગાહીને પગલે જિલ્લાના ખેડૂતોને કૃષિ અને બાગાયતી પેદાશોને સંભવિત નુકસાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંભેટી, કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સી ટી,નવસારી દ્વારા જણાવેલા પગલા લેવા વલસાડ જિ. ખેતીવાડી અધિકારી અને વલસાડ જિ. નાયબ બાગાયત નિયામકે અખબારી યાદી બહાર પડી છે.
જોકે આંબા કલમ ઉપર તૈયાર લખોટીના કદ જેવી કેરી તથા વિપુલ પ્રમાણમાં ફ્લાવરિંગને લઈ આ વર્ષે સારો કેરી પાક મળવાની આશા પર કમૌસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે.દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ગણાતા આશરે 370 સ્ટોલથી સજ્જ ધરમપુરના બામટીની વિશાળ કેરી માર્કેટમાં રોજની હજારો ટન કેરીની આવક થતી હોય છે.
ત્રીજા સ્ટેજમાં કેરી મોટી થવાની સાથે બેસણ પણ સારું છે
આ વખતે ત્રણ સ્ટેજમાં આવેલા ફલાવરિંગ પૈકી પ્રથમ સ્ટેજના ફલાવરિંગમાં કેરી મોટી થવાની સાથે બેસણ પણ સારું છે. એમાં વાંધો નહિ આવે. બીજા સ્ટેજમાં ટકી ગયેલી કેરી વટાણાથી લઈ લખોટી જેવી માર્બલ સ્ટેજમાં કહેવાતી કેરીમાં પણ ખરણ નહીં આવે એમ છે. રીંગણ, ટામેટા, વેલાવાળી શાકભાજી જેવા પાકોમાં વરસાદી વાતાવરણ ચાર પાંચ દિવસ રહેવાની સ્થિતિમાં તકલીફ પડી શકે. એન.એન.પટેલ નાયબ બાગાયત નિયામક વલસાડ
સંભવિત કમોસમી વરસાદથી ફળ ખરી પડવાની શક્યતા
- નાની કેરી, ફ્લાવરિંગ અને મોટી કેરી આમ ત્રણ પ્રકારની કેરી છે. વાવાઝોડા સાથે વરસાદ આવવાની સ્થિતિમાં ફળ ખરી પડવાની શકયતા વધારે છે. ફુલોમાં રોગજીવાત, મધિયો (ચીકટો), ભૂકી છારો (એક પ્રકારની ફૂગ) પ્રકારના રોગ આવવાની શક્યતા વધારે છે. વરસાદ નહીં આવે તો આ વખતે સિઝન સારી લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 40 થી 45ટકા ઉત્પાદન વધારે મળી શકે એવી આશા છે.> ડો.આરીફહુસેન એમ.વોહરા, મદદનીશ બાગાયત નિયામક, વલસાડ
તાલુકાવાર કેરી વિસ્તાર અને ઉત્પાદન વર્ષ 2021-2022 | |||
ક્રમ | તાલુકો | હેક્ટર | મેટ્રિક્સ |
1 | વલસાડ | 12915 | 61992 |
2 | પારડી | 7792 | 37402 |
3 | ઉમરગામ | 4835 | 23208 |
4 | ધરમપુર | 4560 | 21888 |
5 | કપરાડા | 5165 | 24792 |
6 | વાપી | 2077 | 9970 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.