સરવે શરૂ:ધરમપુર અને કપરાડામાં ભારે પવનથી 9 હેક્ટરમાં કેળના પાકને નુકસાનની ભીતિ

ધરમપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસેવકોએ બંને તાલુકામાં સરવે શરૂ કર્યો

ધરમપુરમાં બુધવારે ફૂંકાયેલા ભારે પવન અને વરસાદમાં કેળનો પાક પડી જતા ખેડૂતોને નુકશાનની સંભાવના ઉભી થઇ છે. આ સાથે શેરડીનો પાક પણ પડ્યો હોવાની માહિતી મળી છે. ધરમપુરમાં ભારે પવનમાં ડાંગરનો ઉભો પાક પડી ગયો હતો.આ સાથે ધરમપુર અને કપરાડા તાલુકામાં કેળનો પાક પણ ભારે પવનમાં પડી જતા ખેડૂતોને નુકસાની થવાની શકયતા નકારી શકાય એમ નથી.

બાગાયાતી પાક કેળ પાક નુકસાનની માહિતી મેળવવા ધરમપુર મદદનીશ ખેતી નિયામક કચેરીના અધિકારી કેતન માહલાના માર્ગદર્શનમાં ગ્રામ સેવકોએ બંને તાલુકાના ગામોમાં કેળ પાકમાં અંદાજીત નુકસાનીની પ્રાથમિક માહિતી મેળવવા કામગીરી હાથ ધરી છે. જેમાં ધરમપુરના માકડબન, ફુલવાડી, બારોલીયા અને કપરાડાના મનાલા, નળીમધનીમાં કેળના પાકમાં નુકસાન થયું હોવાની માહિતી મળી છે. પ્રથમ દિવસની આ કામગીરીમાં કપરાડા તાલુકાના નવથી દસ અને ધરમપુર તાલુકાના અઢારથી વીસ ખેડુતોને કેળના પડી ગયેલા પાકને લઇ નુકશાન થયું હોવાની શક્યતા જણાઈ રહી છે.

ધરમપુરમાં છ અને કપરાડામાં ત્રણ મળી પ્રથમ દિવસે પ્રાથમિક તપાસમાં કુલ નવ હેકટરમાં કેળના પાકમાં નુકસાન થયું હોવાની માહિતી મળી છે. ધરમપુર તા.ભાજપ મહામંત્રી ધનેશ ચૌધરી, માકડબનના કાંતિભાઈ થોરાત અને સતીષ બારીયાએ કેળના ખેતરોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...