લોકોમાં ભય ફેલાયો:ધરમપુરના ગામોમાં ભેદી ધડાકા બાદ ભૂકંપના આંચકા; ઘરોમાં ટીવી,પંખા હલી ઉઠતા ગભરાટ

ધરમપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના કેટલાક ગામોમાં ગુરુવારે સાંજે ધડાકા સાથે બેથી ચાર સેકન્ડના અનુભવાયેલા હળવા આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો. જોકે આ આંચકાથી કોઈ નુકસાન નહીં થયું હોવાની માહિતી સ્થાનિક અગ્રણીઓએ આપી હતી.

ધરમપુરના બરૂમાળના નિવૃત સૈનિક સુબેદાર ગોવિંદ પટેલના જણાવ્યા મુજબ સાંજે સવા સાત વાગ્યા પછી તેઓ ન્યૂઝ જોઈ રહ્યા હતા. ત્યારે અચાનક ધડાકાનો અવાજ આવ્યો અને બે સેકન્ડ સુધી તેમણે તથા તેમની પત્નીએ આંચકો અનુભવ્યો હતો. ઘરમાં પણ બધુ હલી ઉઠ્યું હતુ. બિલપુડીના પૂર્વ સરપંચ ઉમેદભાઈ પઢેરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઘરે ટીવી નિહાળી રહ્યા હતા ત્યારે સાંજે આશરે 7:20ના સમયે ધડાકો અને આંચકો આવ્યો હતો. અને ઘરની બહારથી ડરી ગયેલા તેમના બે ડોગ પણ તેમની પાસે આવી ગયા હતા.

અંદાજે ચારથી પાંચ સેકન્ડ સુધી જમીન, મકાન, ટીવી હાલી ઉઠ્યું હતું. બીલપુડીના કેટલાક ફળિયામાં આ આંચકાનો અનુભવ લોકોને થયો હતો. કરંજવેરીના શંકર દળવી કહે છે તેઓ હિંચકા પર બેસેલા હતા ત્યારે સાંજે સાત વાગ્યા પછી અવાજ આવ્યો અને અંદાજે ચારથી પાંચ સેકન્ડ સુધી ધ્રુજારી જેવી લાગી હતી. આ સાથે કરંજવેરી ઉપરાંત નજીકના કાંગવી, શેરીમાળમાં પણ આંચકાનો અનુભવ થયો હોવાની માહિતી તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...