વિરોધ કરવાની તૈયારી:આસુરા માન નદી પુલથી આંબા તલાટના માર્ગ ઉપર ખાડાથી વાહનચાલકો પરેશાન

ધરમપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 ગામના લોકો હેરાન થતા હોય આંદોલનના ભણકારા

ધરમપુરથી વાંસદા જતા માર્ગ ઉપર આસુરા માન નદી પુલ, કાંગવી ફાટક, કરંજવેરી દૂધ ડેરી સામે થઈ આંબાતલાટ સુધી વાહનોથી સતત વ્યસ્ત માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકો માટે શિરદર્દ બની રહેલા આ ખાડાઓ પુરવા તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને તા.પ.વિરોધ પક્ષના નેતા બાળુભાઈ સિંધાએ રજુઆત પણ કરી છે.

અહીંથી પસાર થતા વાહનોની ઊડતી ધૂળની ડમરીઓથી નજીકના દુકાનદારો, બાઈક ચાલકો અને વાહનની રાહ જોતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તંત્રની આ ઉદાસીનતાને લઈ રસ્તો રોકવાની સ્થાનિકોને ફરજ પડશે તેવી હાલત છે. રસ્તો બનાવવા પહેલા અકસ્માતને નોતરું આપતા ખાડા પુરવામાં આવે એ જરૂરી છે.

ખાડા ન પુરાય તો રસ્તા પર બેસી જશું
અહીં ઊડતી ધૂળથી ઘણા બીમાર થયા છે. નજીકના દુકાનદારોના ધંધા પર પણ અસર થઈ રહી છે. અનેક રજૂઆતો કરતા રસ્તો બનાવવાના વચન મળે છે. પરંતુ કામગીરી થતી નથી. જો રવિવાર સુધી કામગીરી શરૂ નહીં થાય તો કરંજવેરી સહિત આસપાસના ગામોના લોકો રસ્તા પર બેસી વિરોધ કરીશું.> બાળુભાઈ સિંધા , તા.પં.વિરોધ પક્ષ નેતા, ધરમપુર

2 દિ’માં કામ શરૂ ન થાય તો ચક્કા જામ
2 દિવસમાં કામ ચાલુ નહીં થાય તો કરંજવેરી અને અમારા 5 ગામના આગેવાનો આ રસ્તા પર ચક્કા જામ કરીશું જેની જવાબદારી તંત્રની રહેશે. તંત્રને લેખિતમાં આપ્યા છતાં કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.> કલ્પેશ પટેલ,તા.પં.અપક્ષ સભ્ય, ધરમપુર

અન્ય સમાચારો પણ છે...