ધરમપુરનું પૌરાણિક અને અનેરી ધાર્મિક મહત્તા ધરાવતા શ્રી વિજયાગ્નિ મંદિરની લાંબા ગાળાથી કોઇ દરકાર કે કાળજી લેવામાં આવી રહી નથી. જેને લઈ આ મંદિરનું રિનોર્વેશન કરવામાં આવે એવી ભકતજનોમાં લાગણી પ્રવર્તી રહી છે.
વર્ષો અગાઉ આ મંદિરની સંભાળ રાખતા સ્વ. ચૈતન્યભાઈ કરુણાશંકર ભટ્ટના કર્મકાંડી તથા જ્યોતિષ પુત્ર જીગેશભાઈ ચૈતન્યભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ રાજાશાહી સમયે રામનગર પ્રાંત તરીકે ઓળખાતા ધરમપુરમાં સ્વર્ગવાહીની નદીના તટે મનહરઘાટ ઉપર વર્ષો અગાઉં શ્રી વિજયાગ્નિ મંદિરનું નિર્માણ કરાયુ હતું.
આ મંદિરમાં ભગવાન શાલીગ્રામની તે સમયે રોજબરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. વધુમાં મંદિર ખાતેના અગ્નિકુંડમાં વિદ્વાન બ્રાહમણો દ્રારા અગ્નિનું સ્થાપન કરી દરરોજ અગ્નિને તૃપ્ત રાખવામાં આવતી હતી. રાજાઓ દ્વારા પ્રજાને અન્ન, ધન અને વૈભવથી સમૃધ્ધિ અને ક્ષેત્રના રક્ષણ અર્થે વૈષ્વદેવ (હવન) કરાવાતો હતો.
રાજાશાહી સમયે આ ઐતિહાસિક મંદિરની દેખરેખ ધરમપુરના સ્વ.કરૂણાશંકર રામશંકર ભટ્ટ રાખતા હતા. આશરે 30 વર્ષ મંદિરની સેવા બજાવ્યા બાદ સને 1988 માં તેમનું અવસાન થતા આ મંદિરની દેખરેખ સ્થાનિક યુવાન દ્વારા આશરે 15 વર્ષ કરવામાં આવી હતી. જો કે આ યુવાનનું પણ આકસ્મિક મૃત્યું નિપજતા સને 2003 થી આ મંદિરની દેખરેખ લેવાતી બંધ થઇ હતી. જેને પગલે મંદિર બંધ હાલતમાં પડી રહેતા જર્જરીત અને બિસ્માર થતું ગયું છે.
હાલે આ મંદિર ઉપર ઝાડીઝાખરા ફૂટી નીકળ્યા છે. તેમજ તેની કોઇ દેખભાળ, કાળજી કે દરકાર લેવામાં આવતી નથી. જેને લઇ મંદિરના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. જો કે આ મંદિરનો વહીવટ હાલમાં કોણ કરી રહ્યું છે તે જાણવા મળ્યું નથી. આ મંદિરનું રિનોવેશન થવું જરૂરી છે. યજ્ઞ કાર્ય માટે આ ઐતિહાસીક મંદિર અતિ ઉપયોગી થઇ શકે એમ છે.રાજા સમયે બાજટ પર દેવને બેસાડતા, કુંડમાં વૈશ્વદેવ (હવન) થતું હતું. એ બાજટ અને કુંડ પણ મંદિરની અંદર જોવા મળે છે.
પંચ તત્વોના રૂણમાંથી મુક્ત થવા વૈષ્વદેવ કરવો જોઇએ
કુદરત પાસેથી દરેક વસ્તુ જેવી કે હવા, જળ,અગ્નિ, આકાશ, પૃથ્વી જેવા તત્વના ઋણમાંથી મુક્ત થવા માટે વૈષ્વદેવ કરે તો આપણે કુદરતના આ ઋણમાંથી મુક્ત થઇ શકીએ છે. > જિગેશ ચૈતન્ય ભટ્ટ
પ્રશાસન મંદિરનો જીર્ણોદ્ધાર કરે એવી લોકોની લાગણી છે
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ બાબતે ધ્યાન આપી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરે એવી લાગણી છે. રાજાશાહી સમયનું આ ગુજરાતનું એક માત્ર મંદિર વર્ષોથી બંધ હાલતમાં છે. ભક્તોની લાગણીને ધ્યાને લઇ આ મંદિરનું સમારકામ તાકીદે થાય એવા પ્રયાસ થવા જોઈએ. સમીપ રાંચ, પૂર્વ ધરમપુર શહેર ભાજપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.