સમસ્યા:ધરમપુર સ્વર્ગવાહીની નદી પર પુલનું કામ બંધ હોય હજારો લોકોને હાલાકી

ધરમપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ ઝડપથી શરૂ કરવા તા.પં. સભ્ય કલ્પેશ પટેલની પ્રાંતને રજુઆત

ધરમપુર નગરમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપર પુલની બંધ કામગીરીને પગલે લોકોને પડતી હાલાકીને લઈ કામગીરી તાકીદે શરૂ કરવા તાલુકા પંચાયત અપક્ષ સભ્યએ પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે. ચોમાસાને લઈ ધરમપુરમાં સ્વર્ગવાહીની નદી ઉપર પુલનું કામ બંધ થઇ જવાથી હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.

આ કામ ત્કાલિક શરૂ કરવા લોકો તથા દુકાનદારોની માગ પણ બળવત્તર બની છે. ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યુ હતું કે નગરના સમડીચોકથી હાથીખાના તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપર પુલની બંધ કામગીરીને લઈ અહીંથી રોજિંદા અવરજવર કરતા લોકોને આસુરા વાવ બિરસા મુંડા સર્કલ તથા અન્ય માર્ગ થઈ આવવા જવાની પડતી ફરજને લઈ તેમને લાંબો ચકરાવો લેવાની નોબત આવતી હોય છે. બીજી તરફ પુલની બંધ કામગીરીથી લોકોની બંધ અવરજવરથી અહીંના વિસ્તારની દુકાનોના ધંધા રોજગાર પર અસર થઈ રહી હોવાનો ઉલ્લેખ કરી તાત્કાલિક કામ શરૂ કરવા અને પુલ નજીક ડાઈવર્ઝન આપવા માગ કરી છે.

ચામાસાની સંપૂર્ણ વિદાય બાદ કામ શરૂ કરાશે
ચોમાસાના કારણે કામગીરી બંધ હતી. હાલ પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે.તથા સ્વર્ગવાહીની નદીમાં પાણીનો વહેણ ચાલુ છે. જેથી વરસાદ બંધ થતાં થોડા દિવસોમાં કામગીરી શરૂ કરી તાત્કાલિક પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે. - વી.એ. ચૌધરી, એસઓ, માર્ગ અને મકાન, ધરમપુર

અન્ય સમાચારો પણ છે...