ધરમપુરના દસોંદી ફળિયામાં ધરમપુર દૈવજ્ઞ ચોનકર કુટુંબ દેવસ્થાનમાં દેવતાઓનો પ્રાસાદ પ્રવેશ અને વાસ્તુશાંતિ કાર્યક્રમ યોજાયો હતો. ધરમપુર દૈવજ્ઞ ચોનકર કુટુંબમાં પેઢીઓથી ચાલતી આવતી કુળદેવતાઓની લગભગ 850 વર્ષ જૂની પૂજાની પરંપરાને ચોનકર કુટુંબે જાળવી રાખી આજે પણ રીત રિવાજો અને પૂજન કરી રહ્યું છે. વર્ષ 1971માં દેવહારૂ જે ઘરમાં હતું તે ઘર માલિક મુંબઈ સ્થાયી થતા દેવહારાને ફરતું કરવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી.
જેથી તે સમયે કોઈ એક કુટુંબી પર ભારણ નહી આવે એ ધ્યાને લઇ પ્રતિ વર્ષ જેનો પૂજાનો વારો હોય તેના ઘરે દેવ લઈ જઈ પૂજા પદ્ધતિ ચાલુ રાખવામાં આવતી હતી. આજે અંદાજે 850 વર્ષની આ પૂજાની પરંપરાને નિરંતર રાખી ધરમપુર દૈવજ્ઞ ચોનકર કુટુંબ દેવસ્થાન સમિતિએ ચોનકર કુટુંબ અને દૈવજ્ઞ સમાજ તથા નગરજનોના સહકારથી નવા મકાનનું નિર્માણ કર્યુ છે. અને 51વર્ષથી પ્રતિ વર્ષ અલગ અલગ ઘરે વારા પ્રમાણે થતી પૂજા બાદ હવે વિધિવત રીતે એક સ્થળે દેવોની સ્થાપના કરાઈ હતી.
સ્થાપન વિધિ માટે દેવોની પાલખી યાત્રા, વાસ્તુ પૂજન સહિત થયેલા કાર્યક્રમ એક મેળાવડાના સ્વરૂપે યોજાયા હતા. આ અવસરે ધરમપુર ઉપરાંત વલસાડ, વાપી,દમણ, મુંબઈ,સુરત, અમદાવાદ, ઘોલવડથી લોકો ઉપસ્થિત થયા હતા. દેવસ્થાન (દેવહારા)માં કુળદેવી ચંદીકામાતા, અંબિકામાતા, નવદુર્ગામાતા તથા ભવાનીમાતા અને કુળદેવતા ખંડોબાદેવ, બહીરમદેવની સ્થાપના વેદોક્ત પદ્ધતિથી ભારે ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.