ધરમપુર તા.પં.ની મંગળવારે બંધ કારણે યોજાયેલી સામાન્ય સભામાં તા.પં.ના અપક્ષ સભ્યએ ગ્રામ્ય વિસ્તારમાં ઉડાવવામાં આવી રહેલા ડ્રોન બાબતે સવાલો ઉઠાવતા સભા ગરમાઇ હતી. તા.પં.પ્રમુખ રમીલાબેન ગાંવિતની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી સામાન્ય સભામાં સને 2022-23ના સુધારેલા અને સને 2023-24ના અંદાજપત્ર બનાવવા સર્વાનુમતે મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત તાલુકા કક્ષાની 15માં નાણાપંચની ટાઇડ અને અનટાઇડ અંદાજિત ગ્રાન્ટ રૂપિયા 2.35 કરોડમાંથી તાલુકાના વિવિધ ગામોમાં પાણી, શૌચાલય, સેનિટેશન, ગટર સહિત ના કામો તથા એમ્બ્યુલન્સ, શિક્ષણને લગતા કામો તેમજ આંગણવાડી મરામતના કામોના આયોજનને મંજૂરી અપાઈ હતી.
વધુમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ રૂપિયા 16 લાખમાંથી તા.પં.કચેરીના ઉપર શેડ, સ્ટાફ ક્વાર્ટર્સ રીનોવેશન, સભાખંડમાં ફર્નિચરના કામોનું આયોજન કરાયું હતું. વિપક્ષી સભ્ય ધીરુભાઈ ગાંવિતે તાલુકાની પ્રાથમિક શાળાના બાળકોના આરોગ્યની તપાસના કરેલા સૂચન બાબતે ટીડીઓએ તાલુકા હેલ્થ ઓફિસરને જાણ કરવાની ખાતરી આપી હતી.
અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, તેમણે નડગધરી તથા ગુંદીયામાં રાત્રીના ફરતા ડ્રોન બાબતે પ્રશ્ન ઉઠાવતા ટીડીઓએ પ્રોપર્ટી કાર્ડ સર્વે માટે માત્ર દિવસના ડ્રોના ઉડતા હોવાનું અને રાત્રીના ઉડતા ડ્રોના અમારા નથી એમ જણાવ્યું હતું. આ સાથે સ્ટેટ હોસ્પિટલમાં સિકલ સેલ દર્દીઓના બંધ વોર્ડને ફરી ચાલુ કરવા પણ રજુઆત કરી હોવાની માહિતી આપી હતી.
TDOએ પત્રકારોને સભામાં પ્રવેશવા ન દીધા
સભાના કવરેજ માટે ટીડીઓએ પત્રકારોને હાજર ન રહેવાદેતા તેમની મનસા અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. સભા પૂર્ણ થયા બાદ ટીડીઓએ પત્રકારોને બીજી વખત આવું નહીં બને તેવી ખાતરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.