ધરમપુરની શ્રી સાઈનાથ હોસ્પિટલના સર્પદંશના કેસોમાં મહારથ હાંસલ કરનારા ડૉ. ડી.સી.પટેલે દાનહના ઉમરકુઈ ગામની કોમન ક્રેટ (મણીયાર) નામના ઝેરી સર્પના દંશની ભોગ બનેલી એક વર્ષ દસ મહિનાની માસૂમ બાળકીને નવજીવન આપ્યું હતું.
27 જુલાઈએ ઉમરકુઈ ગામના ડુંગરપાડા ફળીયામાં ખાટલા ઉપર પિતા બાપજીભાઈ ભૂરા તથા માતા અનિતા સાથે ખાટલા ઉપર સુતેલી 1 વર્ષ 10મહિનાની બાળકી અમ્રિતા રાત્રે 12.30 કલાકે અચાનક રડવા લાગી જેને જાગેલા માતાપિતાએ થોડી વારમાં પગ તરફથી મણીયાર સર્પ જતો દેખાતા બાળકીને ખાનગી વાહનમાં ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં મળસ્કે આશરે પોણા ચાર વાગ્યે સારવાર અર્થે લાવ્યા હતા.
છેલ્લા શ્વાસ અને અતિ ગંભીર હાલતની બાળકીને લઈ ટ્રેઇન્ડ સ્ટાફ પૈકી દિપક પટેલે કુનેહથી કુત્રિમ શ્વાસ નળી નાખ્યા બાદ બાળકીની વેન્ટિલેટર પર સારવાર શરૂ કરાઈ હતી. તપાસ કરતા ગળાના ભાગે દંશના જોવા મળેલા નિશાનથી અનુમાન લગાવાયું હતું. આશરે 29 કલાક વેન્ટીલેટર પર રાખ્યા પછી બાળકીની હાલત સુધરતા અને બાળકી જાતે શ્વાસ લેવાનું શરૂ કરતાં વેન્ટીલેટર હટાવી કુત્રિમ શ્વાસ નળી કાઢી નખાઈ હતી. જોકે શ્વાસ નળીમાં સોજાને લઈ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થવાની સાથે એક તબક્કે શ્વાસ બંધ થયા હતા. અને આ દરમ્યાન હૃદય પણ બે વખત બંધ થયું હતું.
ડોક્ટર દંપતિએ ઘરેથી પ્રોટીન પુરૂ પાડ્યું
આ સારવાર દરમ્યાન બાળકીને નળી મારફતે કેલરી, પ્રોટીન જાળવવા અપાયેલો ડાયેટ ખોરાક ડૉ.પટેલની પત્ની રશ્મિબેને ઘરેથી પૂરો પાડી માનવતા મહેકાવી હતી. બીજી તરફ સારવાર માટે દાખલ નાની બાળકીને લઈ ચિંતિત ડૉ. ડી.સી.પટેલે બીજા દિવસે એક રાત્રી પોતાના કન્સલ્ટિંગ રૂમમાં પસાર કરી સમગ્ર રાત્રી દરમ્યાન થોડી થોડી વારે બાળકીની પાસે જઈ સંભાળ રાખી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.