ચૂંટણી:ધરમપુર APMC ચૂંટણી, ચકાસણી બાદ 33માંથી 32 ઉમેદવારી પત્રો મંજૂર કરાયા

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી મત વિભાગમાં 4 સભ્ય માટે ભરાયેલા 5 પૈકી 1 નિયુક્તિ પત્ર રદ
  • જીવા આહીરની પેનલના 4 અને APMCના 1 બિનહરીફ થઇ શકે

ધરમપુર APMCના ત્રણ વિભાગની યોજાનારી સામાન્ય ચૂંટણી પૈકી વેપારી મત વિભાગના સહકારી આગેવાન જીવાભાઈ આહીરની ભાજપ પ્રેરિત પેનલના ચાર સભ્યો નિયુક્તિ પત્ર ચકાસણીના દિને બિનહરીફ થતા જણાઈ રહ્યા છે. જ્યારે સહકારી મંડળીનો મત વિભાગમાં બે સભ્યો માટે ત્રણ નિયુક્તિ પત્ર ભરાયા હોવાથી આ વિભાગમાં પણ એક સભ્ય જીવાભાઈ આહીરની પેનલનો જીતી રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

વેપારી મત વિભાગના ચાર સભ્યો માટે ભરાયેલા પાંચ નિયુક્તિ પત્ર પૈકી એક ઉમેદવાર બજાર સમિતિનું લાયસન્સ નહીં ધરાવતા હોવાથી રદ થયું હોવાને લઇ હરદીપસિંહ રાવલજી, હરીશભાઈ સોલંકી, જયેશભાઈ દળવી અને કલ્પેશ ભાનુશાલી હાલે બિનહરીફ જણાતા જીવાભાઈ આહિર, ધરમપુર તા.ભાજપ કિસાન મોરચા પ્રમુખ ગમનભાઈ રાઉતે તમામને અભિનંદન પાઠવ્યા હતા. ધરમપુરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત મત વિભાગના દસ, વેપારી મત વિભાગના ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓનો મત વિભાગના બે મળી કુલ 16 સભ્યોની યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 33 નિયુક્તિ પત્ર ભરાયા હતા. જેમાં વેપારી મત વિભાગમાં 4 સભ્ય માટે ભરાયેલા 5 પૈકી એક નિયુક્તિ પત્ર ચકાસણીના દિને રદ થતા ચાર સભ્યો હાલે બિનહરીફ થતા જણાઈ રહ્યા છે. ફોર્મ ખેંચવાની 22 તારીખે ફોર્મ નહીં ખેંચાય તો ચૂંટણી થયેથી આગામી 31 તારીખે ગણતરીના દિને વિધિવત રીતે આ અંગે જાહેરાત સાથે ચિત્ર સ્પષ્ટ થશે.

આ સામાન્ય ચૂંટણી માટે ખેડૂત વિભાગના 10 સભ્યો માટે 25, વેપારી મત વિભાગના 4 સભ્યો માટે 5 અને સહકારી ખરીદ વેચાણ મંડળીઓનો મત વિભાગના 2 સભ્યો માટે 3 મળી કુલ 33 નિયુક્તિ પત્ર ભરાયા હતા. મંગળવારે ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર નાયબ નિયામક ખેત બજાર વલસાડ એચ.આર. પટેલની અધ્યક્ષતામાં નિયુક્તિ પત્ર ચકાસણીની કાર્યવાહીમાં આ 33 પૈકી 32 મંજુર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...