પાણીનો પોકાર:ધરમપુર તાલુકાની પાર નદી કિનારેના 12 ગામોમાં પિયતની સુવિધા પુરી પાડવા માગ

ધરમપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાની વહિયાળના પૂર્વ સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

ધરમપુરના નાની વહિયાળના પૂર્વ સરપંચ દિલીપભાઈ જે.પટેલે પાર નદી કિનારેના નાની વહિયાળ સહિત 12 ગામોમાં સમગ્ર વર્ષ દરમ્યાન ખેડૂતોને ખેતી માટે પિયત અને પશુઓને પાણીની સુવિધા માટે નાની મોટી ખનકી(કોતર)માં પાર નદીનું પાણી લાવી વ્યવસ્થા ઉભી કરવા નાની વહિયાળમાં યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીને લેખિત રજુઆત પાઠવી હતી.

સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી જીતુભાઇ ચૌધરીને સંબોધન કરતી આ રજુઆતમાં જણાવ્યા મુજબ પાર નદી કિનારેના નાની વહિયાળ, લાકડમાળ, કુરગામ, તુંબી, કાકડકુવા, ટાંકી, તિસ્કરી તલાટ, બારોલીયા, ઝરીયા,ફૂલવાડી,ભેસદરા સહિતના ગામોના અંદાજિત પાંચ હજાર ખેડૂતો આકાશી ખેતી કરે છે. પૂર્વ સરપંચ દિલીપભાઈ પટેલ કહે છે. આ ગામોમાંથી પસાર થતી અને પાર નદીમાં મળતી ચાર મોટી ખનકી સહિત નાની ખનકીઓમાં સંગ્રહ થતું વરસાદી પાણી નવેમ્બર માસ પૂર્ણ થતાં ઘટી જતું હોય છે.

સાથે પિયત માટે ઉપયોગી બોર અને કુવાના જળ સ્તર પણ નીચા જતા હોય છે. જેને લઈ ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા, તેમની આવક બમણી કરવા તેમજ પશુધનમાં વધારો થાય એ માટે પિયતની સુવિધા ઉપલબ્ધ કરવા પાર નદીમાંથી ખનકીઓમાં પાણી લાવવા યોજના બનાવી મંજુર કરવા વિનંતી કરાઈ છે. પુર્વ સરપંચ દિલીપભાઈ પટેલે વર્ષ 2010/11માં તેમના સરપંચ કાર્યકાળમાં તેઓ અને લાકડમાળના રાજેશભાઇ કે.પટેલ, કાકડકુવાના અરવિંદભાઈ સી.પટેલ સહિતના આગેવાનોએ ભેગા મળી એનાર્ડે ફાઉન્ડેશન સંસ્થા અને જળ સંપત્તિ વિભાગ ઉકાઈના અધિકારીઓ સાથે પાર નદી આધારિત બાર ગામોમાં પિયતની સુવિધા માટે ચકાસણી પણ કરાવી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...