માંગણી:માકડબન પાર નદી ઉપર ધરમપુર અને કપરાડા તાલુકાને જોડતા ડૂબાઉ કોઝવેના સ્થાને મેજર બ્રિજ બનાવવાની માગ

ધરમપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસથી કોઝવે ઉપર પાણી ભરેલા હોવાથી અવરજવરની મુશ્કેલી
  • 2 તાલુકાને ઉપયોગી મહત્વનો કોઝવે પર ઊંચો પુલ બનવાથી 3 હજારથી વધુ લોકોને દર ચોમાસે પડતી મુશ્કેલીથી મુક્તિ મળશે

ધરમપુરના માકડબન અને કપરાડાના અરણાઈ ગામ વચ્ચે પાર નદી પરના ડૂબાઉ કોઝવેના સ્થાને મેજર બ્રીજ માટે માંગ બળવત્તર બની છે. આ સાથે માકડબનના પાઠસળી ફળીયા અને પાર નદી વચ્ચે ખનકી ઉપરના નીચા કોઝવેના સ્થાને ઊંચો પુલ બનાવવા પણ માંગ ઉભી થઇ છે. માકડબન તથા અરણાઈ ગામોના અગ્રણીઓએ મહિનાઓ સુધી પાણીમાં ગરકાવ કોઝવેને લઈ બંને તાલુકાના જોડાણ માટે અહીં ઉંચો પુલ બનાવવા માટે લાગણી વ્યક્ત કરી હતી.

માકડબનના પાઠસળી ફળીયા અને અરણાઈના હાટસરી ફળીયા વચ્ચેથી પસાર થતી પાર નદી પરનો કોઝવે ચોમાસામાં પાણીમાં ગરકાવ થયો હોવાથી કપરાડા તા.ના અરણાઈ, કુંડા, નળીમધની, ચાંદવેગણ, ઓઝરડા તથા ધરમપુરના માકડબન, ફૂલવાડી સહિતના ગામોની અવરજવરને સીધી અસર થઈ રહી છે. જેને લઈ આ ગામોને કપરાડાના પાનસ થઈ અવરજવર કરવી પડતી હોવાની વાત અગ્રણીઓએ કરી હતી. માકડબનના પૂર્વ સરપંચ કાંતિભાઈ થોરાટે જણાવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા આમ બે તાલુકાને જોડતો આ કોઝવે ધરમપુર સરકારી હોસ્પિટલ તથા અન્ય કામ માટે મહત્વનો છે.

ધરમપુર તથા કપરાડા તા.ના ઘણા ગામો આ શોર્ટકટ હોવાથી કાયમ અહીંથી અવરજવર કરતા હોય છે. ચોમાસામાં માકડબનના ગણેશ ધોધને નિહાળવા આવતા પર્યટકોને પણ અહીંથી અરણાઈ ગામના પૌરાણિક મંદિર તથા ગરમ પાણીના કુંડની મુલાકાત માટે જવા સરળતા મળી શકે છે. આ ઉપરાંત પાઠસળી ફળીયાના પશુપાલકો તથા ખેડૂતો માટે પાઠસળી ફળીયામાં ખનકી ઉપર સર્વે કરી બ્રીજ બનવો જોઈએ. આમ બંને તાલુકાની કનેક્ટિવિટી માટે અહીં બ્રીજ બનાવવો જોઇએ.

કોઝવેથી ત્રણ હજાર લોકોને લાંબો ચકરાવો
ચોમાસામાં અહીં તથા નળીમધનીમાં ડૂબાઉ કોઝવેની સ્થિતિ સમયે ઘણા ગામોને અસર થતી હોવાથી અહીં પુલની જરૂર છે. અરણાઇની આશરે 2200 તથા કુંડાની આશરે 800ની વસ્તી તથા અન્ય ગામોની વસ્તીને મહત્વનો આ કોઝવે ડૂબાઉ થતા લાંબો ચકરાવો લેવાની નોબત આવે છે. - દિલીપભાઈ ડી.ભોયા.પૂર્વ સરપંચ,અરણાઈ

અન્ય સમાચારો પણ છે...