સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેકટના વિરોધનું આંદોલન ત્રણ માસથી ચાલી રહ્યું છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેકટની રદ્ની વિધિવત જાહેરાત કરી હતી,આમ છતાં આદિવાસી સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર શ્વેતપત્ર બહાર ન પાડે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચિમકી આદિવાસી નેતાઓએ આપતાં આગામી ચૂંટણીમાં આ મુદો મહત્વનો સાબિત થઇ શકે છે.
વિરોધના સુર ગાંધીનગર અને દિલ્લી સુધી પહોચ્ચા
ધરમપુર, કપરાડાથી લઇ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના સામે અનેક વિરોધ પ્રદર્શનો અને દેખાવો થયા હતાં. રાજય અને કેન્દ્ર સરકાર સામે ગાંધીનગર અને દિલ્લી સુધી વિરોધના સુર પહોંચ્યા હતાં.ત્રણ માસથી ચાલતાં આ વિવાદમાં શનિવારે સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આ યોજના રદ કરવાની જાહેરાત કરી છે. આદિવાસી અગ્રણીઓએ આ જાહેરાતને લોલીપોપ ગણાવી શ્વેતપત્રની માંગ યથાવત રાખી છે.
શ્વેતપત્રની માંગ સાથે વિરોધ યથાવત
અગામી 27 મેએ વાંસદામાં રિવર લિંક યોજના સામે રેલી નીકળશે એમ કહ્યું હતું. ધરમપુરના ગામોમાં આ યોજના બાબતે વિરોધ વ્યકત કરાયો હતો. મંત્રીઓએ કરેલી રજુઆતને પગલે આ યોજના સ્થગિત કરાઈ હતી. આમ છતાં શ્વેતપત્રની માંગ સાથે વિરોધ યથાવત રહ્યો હતો.મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ આદિવાસી સમાજમાં નારાજગી છે.
પ્રોજેકટમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ
પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો
દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો. જેને 42 વર્ષ બાદ નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કર્યો હતો પરંતુ સ્થાનિક આદિવાસી, સ્થાનિક અને પ્રજાના વિરોધના પગલે આ પ્રોજેક્ટને બે મહિના પૂર્વે સ્થગિત અને આખરે સરકારે પણ આ પ્રોજેક્ટને રદ્દ કરવાની ફરજ પડી છે.
આદિવાસી સમાજ આવા ભ્રામક પ્રચારમાં ફસવાનો નથી
મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેકટ રદ કરવાના નિર્ણયને ધરમપુર તાલુકા ભાજપ સંગઠન વધાવે છે. કોંગ્રેસ ભ્રામક પ્રચાર કરી ભોળી આદિવાસી પ્રજાને ચૂંટણી સમયે ગેરમાર્ગે દોરી ભડકાવવાનો પ્રયાસ કરે છે. આદિવાસી પ્રજા આવા લોકોને ઓળખી ગઈ છે. હવે આદિવાસી સમાજ આવા ભ્રામક પ્રચારમાં ફસવાનો નથી. - ધનેશ ચૌધરી, મહામંત્રી ધરમપુર તા.ભાજપ
કોરિડોર ધોરીમાર્ગનો પણ સાથે વિરોધ કરાશે
1 માર્ચે સી.આર પાટીલે પણ જાહેરાત કરી હતી. અમને જ્યાં સુધી શ્વેતપત્ર નહી અપાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આ ચૂંટણીલક્ષી જાહેરાત છે. અમે જુદા જુદા તાલુકા, જિલ્લાઓમાં કાર્યક્રમો કરીશું. આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. મુંબઈ-દિલ્હી કોરિડોર, ચેન્નાઈ ધોરીમાર્ગના વિરોધમાં આંદોલન કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, વાંસદા
27 મેએ વાંસદામાં રેલી
આદિવાસી સમાજને લોલીપોપ આપી છે. ડેમ સમિતિ અને સંઘર્ષ સમિતિના સભ્યો ભેગા થશે. 27 મેએ વાંસદામાં રેલી કાઠી વિરોધ થશે. - કલ્પેશ પટેલ, ધરમપુર
ચૂંટણી હોવાથી જાહેરાત
નજીકમાં ચૂંટણીને લઈ મોટો પડઘો પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી આ જાહેરાત થઈ છે. - કમલેશ પટેલ, આદિવાસી એકતા પરિષદ ધરમપુર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.