નદી નાળા છલકાયા:ધરમપુરના સિદુમ્બરમાં માન નદી પરનો કોઝવે ડૂબતા 1500થી વધુ લોકોને 4 કિમી સુધીનો ચક્રાવો

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માન નદી સિદુમ્બર - Divya Bhaskar
માન નદી સિદુમ્બર
  • ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા
  • કાંગવી, લુહેરી, કરંજવેરી, આવધા સહિતના ગામોને અસર
  • કુંભઘાટ ઉપર ભેખડો ધસી પડીને રોડ ઉપર આવતાં દોડધામ મચી ગઇ
  • પંચલાઇ ડેમમાંથી પાણી છોડતાં પારડી પારનદીમાં ઘોડાપુર
  • કપરાડામાં ત્રણ દિવસ ભારે વરસાદથી પુલ અને ચેકડેમ કમ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો

ધરમપુરના સિદુમ્બરના દુકાન ફળીયાથી ભટાડી ફળીયા તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી માન નદી પરના કોઝવે ડૂબાણમાં જતા લોકોને હાલાકી ઉઠાવવી પડી હતી. નદીના બીજે પાર સિદુમ્બરના ભટાડી ફળીયા, લાકડ ફળીયા, ખોરી ફળીયા તથા નદી ફળીયાની 1500થી વધુ વસ્તી તથા અહીંથી કાંગવી, લુહેરી, કરંજવેરી, આવધા સહિતના ગામોમાં થતી અવરજવર બંધ થઇ હતી. ભટાડી ફળીયાના દૂધ ભરવા આવેલા રહીશે જણાવ્યું હતું કે દૂધ ભરવા આવતી વખતે ઓછું પાણી વધી જતાં પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે.

સ્થાનિકના જણાવ્યા મુજબ કોઝવેથી આશરે એક કિમીના અંતરે આવેલા ફળિયામાં જવા ડૂબાઉ કોઝવેને લઈ આશરે 20 કિમીનો ચકરાવો લેવો પડે એમ છે. ચાર ફળીયાના સિદુમ્બર, ધરમપુરમાં જતા વિદ્યાર્થીઓને લુહેરી, કાંગવી થઈ લાંબો ચકરાવો લેવો પડે એમ છે. સિદુમ્બરના સરપંચ લીલાબેન પટેલ તથા સભ્યોએ ડૂબાઉ કોઝવેને લઈ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ મંત્રી કનુભાઈ દેસાઈ તથા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને માન નદી પર પુલ માટે રજુઆત કરી છે.

કોલક નદી કપરાડા
કોલક નદી કપરાડા

કપરાડામાં લો - લેવલના ચેકડેમ કમ કોઝવે તથા નદી નાળા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું છે જેમાં કરચોન્ડ, ખડકવાળ અને બુરલા કોલક નદી ઉપરનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ ગયા છે.

મોટીવહિયાળ ગામના ચિચપાડા ફળિયાના ગરનાળા ઉપર પાણી ફરી વળ્યું વાલીઓ બાળકોને પાણીના ધસમસતા તેજ પ્રવાહમાંથી લઈ જવાની ફરજ પડી છે મજૂરી કામ ઉપર વાપી દમણ સેલવાસ જતા ઈકોવાહન ચાલકો ફસાયા છે. જ્યારે સ્કૂલમાં ગયેલા બાળકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં ફસાઈ ગયા છે વાલીઓ ને નાળા ઉપર પાણી ફરી વળતાની ખબર પડતાં બાળકો ને લેવા દોડાધામ મચી હતી.

પાર નદી પારડી
પાર નદી પારડી

પારડી શહેર અને તાલુકામાં ભારે વરસાદને લઈ નદી નાળાઓ, જળાશયો તેમજ ઠેર ઠેર માર્ગો, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જન-જીવનને અસર થઇ હદતી. પારડી હાઇવે બાલમંદિર ની પાછળ રહેણાંક વિસ્તારમાં ભારે વરસાદને લઈ ત્રણથી ચાર જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. અહીં 12 ફૂટની દીવાલ તાણી દેતા વરસાદી પાણીના નિકાલની જગ્યા ન રહેતા પાણીનો ભરાવો થઈ રહ્યો છે.

બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે પંચલાઈ ડેમમાંથી પાણી છોડાતા પારડી પારનદીમાં આવક વધી હતી. ત્યારે પારનદીનો નાનો પુલ ડૂબી જવાની શક્યતા દેખાઈ રહી છે, પારનદી બંને કાંઠે વહેતા લોકો પારનદી નજીક ન જઈ સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે.

પારડી પારનદીનો આ બ્રિજ બ્રિટીશ સરકાર દ્વારા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો. પારડી પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં ન આવતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જેને લઇ લોકોમાં ભારે આક્રોશ પાલિકા સામે જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...